ડો. ભીમાણી પોણા બે વર્ષ ઇન્ચાર્જ રહ્યા, અનેક વિવાદ થયા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને હટાવી સરકારે યુનિવર્સિટીના જ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ડો. નીલાંબરીબેન દવેની નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિમણૂક કરતો ઓર્ડર શુક્રવારે સાંજે કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ડો. ભીમાણીને ઇન્ચાર્જ કુલપતિ પદેથી હટાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
નાઘેડીકાંડ સમયે તેમને હટાવવામાં આવે તેની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ જ્ઞાતિવાદને લીધે તેમને બચાવી લેવાયા હતા. જે-તે સમયે પણ ડો. ભીમાણીને બદલે હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સના પ્રોફેસર અને હેડ ડો. નીલાંબરીબેન દવેને કુલપતિનો ચાર્જ આપવા સંપર્ક કરાયો હતો જેના કારણે તેઓ તેમની સબેટિકલ લીવ પણ ટૂંકાવીને આવી ગયા હતા,પરંતુ ત્યારે કુલપતિ ન બદલ્યા. પરંતુ શુક્રવારે સરકારે સત્તાવાર ઓર્ડર જાહેર કરીને વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને બદલે નવા ઇન્ચાર્જ કુલપતિ ડો. નીલાંબરીબેન દવેની નિમણૂક કરી છે.
ફેબ્રુઆરી-2022માં ડો. ગિરીશ ભીમાણીને ઇન્ચાર્જ કુલપતિ બનાવ્યા હતા. આશરે પોણા બે વર્ષ સુધી તેઓ ઇન્ચાર્જ કુલપતિ તરીકે રહ્યા. જોકે તેમના આ કાર્યકાળ દરમિયાન ઢગલાબંધ કૌભાંડ અને વિવાદો થયા. ભરતી, પેપરકાંડ, નાઘેડીકાંડ સહિત અનેક નાના-મોટા વિવાદ થયા હતા, પરંતુ પોણા બે વર્ષ ઇન્ચાર્જ કુલપતિ તરીકે રહ્યા બાદ અંતે ડો.ભીમાણીને સરકારે હટાવ્યા છે અને તેમના સ્થાને હવે ડો. નીલાંબરીબેન દવે ઇન્ચાર્જ કુલપતિ રહેશે.