મહિલાઓના વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા-વિચારણા થશે: કાર્યકારી કુલપતિ નિલાંબરીબેન દવે, કથાકાર મીરાબેન ભટ્ટ તથા સંયોજિકા ભાગ્યશ્રી સાંઠયે માર્ગદર્શન આપશે
ખાસ-ખબર સંવાદદાતા
‘જાગ જાગ જનની જગત કી, દેશ અબ આધાર માંગે’ સૂત્રને સાકાર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ દ્વારા પ્રેરીત ભગીની સંસ્થા ‘મહિલા સમન્વય’ દ્વારા રાજકોટમાં આગામી તા.4 ફેબ્રુઆરીને રવિવારના રોજ સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં કાનજી ભુટા બારોટ રંગ મંચમાં એક દિવસીય ‘ઓજસ્વીની’ નારી શકિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી આપતા સૌરાષ્ટ્રના સંયોજિકા કાંતાબેન કથીરીયાએ જણાવ્યું છે કે વર્તમાનમાં મહિલાઓ સંગઠીત થાય, માતૃશકિત જાગૃત થાય અને મહિલાઓના વિવિધ પ્રશ્ર્નો, ચિંતનાત્મક વિષયો અને અમલ કરવા યોગ્ય કાર્યો બાબતે ચર્ચા અને વિમર્શ કરે, જ્ઞાન પ્રાપ્ત કરી, ઉર્જાવાન બને અને ઉદેશ્યની પૂર્તિ માટે કાર્યરત થાય તે અર્થે મહિલા સમન્વય દ્વારા આ ‘ઓજસ્વીની’ નારી શકિત સંમેલન યોજવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર પ્રાંતમાં વિભાગ સ્તરે મહિલા સંમેલનો યોજાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, ગોંડલ, પોરબંદર, અમરેલીમાં વિશાળ સંમેલનો દ્વારા મોટી સંખ્યામાં બહેનોએ રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપવાના સંકલ્પ કર્યો છે. મહિલા સમન્વય રાજકોટ મહાનગરના સંયોજિકા જસ્મીનબેન પાઠકે જણાવ્યું હતું કે ‘સ્ત્રી સમાજની આદર્શ શિલ્પી છે.’ ઉકિતને સાર્થક કરવા મહિલાઓના ચારિત્ર્ય ઘડતરના ઉદેશ્યને આગળ ધપાવવા આ સંમેલનમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ પણ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે.
મહિલા સમન્વયના સહસંયોજિકા રંજનબેન ઠાકરે જણાવ્યું હતું કે આ સંમેલનમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી વિવિધ સામાજિક સંગઠનો, ધાર્મિક સંપ્રદાયો, કોલેજ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ, જ્ઞાતિ સ્વયંસેવી સંસ્થાઓની મહિલા અગ્રણી અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રાંત તરુણી પ્રમુખ આરતીબેન ઓઝાએ જણાવ્યું હતું કે આ સંમેલનમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ નીલાંબરીબેન દવે અધ્યક્ષીય માર્ગદર્શન આપશે. તેમજ ‘મહિલા સમન્વય’ના રાષ્ટ્રીય સહસંયોજિકા ભાગ્યશ્રી સાંઠયે જેઓ આજીવન પ્રચારિકા તરીકે મહિલા સંગઠનમાં પ્રવૃત છે. તેઓ ‘ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા’ પર મનનીય પ્રવચન આપશે. આ ઉપરાંત કથાકાર મીરાબેન ભટ્ટ માર્ગદર્શન આપશે. આ વિશાળ સંમેલનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન લીંક પર કરી સર્વ સમાજની બહેનોને જોડાવા અપીલ કરવામાં આવી છે. સંમેલનમાં નોંધણી કરાવવા મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજિકા કાંતાબેન કથીરીયા, આરતીબેન ઓઝા, જસ્મીનબેન પાઠક, રંજનબેન ઠાકરે હાંકલ કરી છે.