ભાવનગરમાં ગઠબંધન અને ભાજપ તો રાજકોટ-પોરબંદર-જામનગર-અમરેલી-ભાવનગર-સુરેન્દ્રનગર અને કચ્છમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર
રાજકોટ બેઠક સૌથી હાઈ વોલ્ટેજ જામનગર બેઠકમાં આંદોલનની સૌથી વધુ અસરના કારણે જ્ઞાતિ ફેક્ટર નિર્ણાયક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
સૌરાષ્ટ્રની રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ એમ આઠ લોકસભા બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. આ આઠ બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. આ આઠ બેઠકો ઉપર કુલ 92 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં માણાવદર અને પોરબંદર ધારાસભાની બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઈ રહી હોય, આ બન્ને બેઠકોના ઉમેદવારોના ભાવિ પણ વોટીંગ મશીનમાં કેદ થયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો ઉપર 2019ની ચૂંટણીમાં સરેરાશ 59 ટકા જેટલું મતદાન થયું હતું આ વખતે મતદાન વધે તે માટે મતદાનનો સમય 11 કલાકનો રાખવામાં આવ્યો છે. આ આઠ બેઠકો પૈકી રાજકોટ બેઠક ઉપર ભાજપના કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે મુખ્ય જંગ છે આ સિવાય અન્ય સાત ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનનું સર્જન રાજકોટ બેઠક ઉપરથી થયું હોવાથી રાજકોટની બેઠક હાઈવોલ્ટેજ બની ગઈ છે અને દેશભરના રાજકીય નિષ્ણાંતોની નજર રાજકોટ બેઠક ઉપર મંડાયેલ છે. સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, ભાજપના ગઢ અને સૌરાષ્ટ્રના કેપિટલ સમાન રાજકોટની બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવારો અમરેલીથી આયાત થયેલા છે.
આ સિવાય જામનગરની બેઠક ઉપર ભાજપે પૂનમબેનને ત્રીજી વખત રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે તેની સામે નવા ચહેરા જેવા જે.પી. મારવિયાને ટિકિટ આપી છે આ બેઠક ઉપર કુલ 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલની સૌથી વધુ અસર હોવાથી ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે.
- Advertisement -
આજ રીતે પોરબંદર બેઠક ઉપર ભાજપે વર્તમાન સાંસદ રમેશ ધડુકને કાપી કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે પણ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ઉતાર્યા છે આ બેઠક ઉપર કુલ 12 ઉમેદવારો લડી રહ્યા છે. પરંતુ મુખ્ય સ્પર્ધા ભાજપ-કોંગ્રેસ વચ્ચે છે.
ભાવનગરની બેઠક ઉપર કુલ 13 ઉમેદવારો નશીબ અજમાવી રહ્યા છે. અહીં ભાજપે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને કાપી નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ ‘આપ’ના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ઉપર પણ બન્ને મુખ્ય ઉમેદવારો કોળી હોવાથી ક્ષત્રિય આંદોલન નિર્ણાયક ફેક્ટર બની શકે છે. સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અહીં ભાજપે કેન્દ્રીયમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાને કાપીને ચંદુભાઈ શિહોરાને અને કોંગ્રેસે જુના ખેલાડી રૂત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બેઠક પણ ક્ષત્રિય સમાજના આંદોલનથી પ્રભાવિત છે.
જૂનાગઢ બેઠક ઉપર કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે ભાજપ કોળી સાંસદ રાજેશ ચુડાસમાને ભારે વિવાદો વચ્ચે રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસ આહિર જ્ઞાતિના હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે આ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલન કરતા વાદ-વિવાદ અને વ્યક્તિગત છબી ઉપર હાર-જીતનો વધુ મદાર દેખાય છે. અમરેલી બેઠક ઉપર ભાજપના સાંસદ નારણ કાછડિયાને કાપી ભરત સુતરિયાને ટિકિટ આપી છે તો કોંગ્રેસે જેનીબેન ઠુંમરને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય અન્ય છ ઉમેદવારો પણ અહીં ચૂંટણી લડી રહ્યા છે. લેઉવા પટેલોની આ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનની ખાસ અસર નથી. કચ્છની અનામત બેઠક ઉપર પણ ભાજપે વિનોદ ચાવડાને ફરી ટિકિટ આપી છે તો કોંગ્રેસે કોરીપાટી જેવા નિતેશ લાલણને ટિકિટ આપી છે. આ બેઠક ઉપર કુલ 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને ક્ષત્રિય આંદોલનની સારી એવી અસર પણ આ બેઠક ઉપર છે જો કે, આ આંદોલન પરિણામ બદલી શકે છે કે નહીં? તે તો તા. 4 જૂને જ ખબર પડી શકે.
સૌરાષ્ટ્રની કઈ બેઠક પર કેટલા ઉમેદવાર
સુરેન્દ્રનગર -14
રાજકોટ -09
પોરબંદર -12
કચ્છ -11
જૂનાગઢ -11
જામનગર -14
ભાવનગર -13
અમરેલી -08