યુએસ પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે વર્ચ્યુઅલ રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યું
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.24
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વર્ચ્યુઅલ રીતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યું. તેમણે સાઉદી અરેબિયાને ઓઈલના ભાવ ઘટાડવા કહ્યું અને વિશ્ર્વભરના ઉદ્યોગપતિઓને અમેરિકામાં આવીને વેપાર કરવા કહ્યું. દુનિયાભરના દરેક બિઝનેસમેન માટે મારી પાસે સ્પષ્ટ સંદેશ છે. આવો તમારું ઉત્પાદન અમેરિકામાં બનાવો અને અમે તમારી પાસેથી વિશ્ર્વના કોઈપણ દેશ કરતાં સૌથી ઓછો ટેક્સ વસૂલ કરીશું.
- Advertisement -
ટ્રમ્પે કહ્યું કે તેઓ સાઉદી અરેબિયા અને ઓપેક (ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ)ને ’ઓઈલની કિંમત ઘટાડવા’ કહેશે. ટ્રમ્પે કહ્યું- સાચું કહું તો મને આશ્ર્ચર્ય થાય છે કે તેણે હજુ સુધી આવું કેમ નથી કર્યું. ટ્રમ્પે કહ્યું કે જો ઓઈલની કિંમત નીચે આવશે તો યુક્રેનમાં યુદ્ધ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે ઓઈલની કિંમતમાં ઘટાડો કરવાની સાથે તેઓ વ્યાજદરમાં પણ ઘટાડો કરવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે તેમની જીત બાદ અમેરિકામાં રોકાણ વધવા લાગ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ દેશમાં બનેલા ઉત્પાદનો પર લઘુત્તમ ટેક્સ લાદવા પર કામ કરી રહ્યા છે. તેમના શાસનમાં અમેરિકાના ઈતિહાસમાં ટેક્સ સૌથી ઓછો હશે. તેઓ તેમના પ્રથમ કાર્યકાળ કરતાં ટેક્સ ઓછો કરી દેશે. ટ્રમ્પે કહ્યું કે જો કોઈ બિઝનેસમેન પોતાની પ્રોડક્ટ અમેરિકામાં નથી બનાવતા તો હું સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે તમારે ટેરિફ ચૂકવવો પડશે. તેમણે કહ્યું કે આનાથી અમેરિકા પોતાની વેપાર ખાધને ઘટાડી શકશે અને દેશની તિજોરી ભરી શકશે. ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામનો શ્રેય પણ લીધો હતો. તેમણે કહ્યું- બાઈડેન શાસનના છેલ્લા દિવસોમાં યુદ્ધ ભલે બંધ થઈ ગયું હોય, પરંતુ જો હું ન હોત તો આ શક્ય ન બન્યું હોત. ટ્રમ્પે કહ્યું કે તેમના કારણે જ ઈઝરાયેલમાં બંધકો તેમના પરિવાર પાસે પાછા ફર્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની જીત બાદ આખી દુનિયામાં એક રોશની ચમકી રહી છે. જે દેશો અમેરિકાના બહુ ખાસ મિત્ર નથી તે પણ આ જીતથી ખુશ છે. કારણ કે તેઓ જાણે છે કે ટ્રમ્પના નેતૃત્વમાં વિશ્ર્વનું ભવિષ્ય કેટલું સુંદર હશે.તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિકસાવવા માટે અમેરિકામાં 500 બિલિયન ડોલરના રોકાણનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે એવા અહેવાલો પર પણ ચર્ચા કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયા અમેરિકામાં 600 અબજ ડોલરનું રોકાણ કરશે. ટ્રમ્પે કહ્યું કે તેમને આશા છે કે ક્રાઉન પ્રિન્સ સલમાન આ રોકાણને 1 ટ્રિલિયન સુધી લઈ જશે. ટ્રમ્પે ભાષણની શરૂૂઆતમાં અમેરિકન રાજકારણ પર પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેને અમેરિકામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. તેઓ મોંઘવારી રોકવા સક્ષમ ન હતા કે તેઓ દેશમાં ગુનેગારોના પ્રવેશને રોકવામાં સક્ષમ ન હતા.