સાસણ (ગીર) વન વિભાગ દ્વારા રાખોડી ચિલોત્રા પક્ષીનું પુન:સ્થાપન અને અભ્યાસ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ગીરમાં રાખોડી ચિલોત્રા નામના 11 પક્ષીને સેટેલાઈટ ટ્રાન્સમીટર લગાડવામાં આવ્યા છે. સાસણ (ગીર)ના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામનાં માર્ગદર્શનમાં ગીરમાં રાખોડી ચિલોત્રા પક્ષી પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. રાખોડી ચિલોત્રાને ગીરમાં પુન:સ્થાપિત કરવાનું એક અનોખું પગલું શરૂ કરવામાં આવ્યું છે, જે ગીરમાં તેની વસ્તી પાછી લાવવામાં મદદરૂપ બની શકશે.

- Advertisement -
ગીરમાં રાખોડી ચિલોત્રાના પુન:સ્થાપન અને અભ્યાસ માટે સૌર ઉર્જાથી ચાલતા સેટેલાઈટ ટ્રાન્સમીટર લગાડવામાં આવ્યા હતા. પહેલી ડિસેમ્બર 2021માં નવ પક્ષીને લગાડવામાં આવ્યા હતા. તેની સફળતા બાદ વધુ 11 પક્ષીને સેટેલાઈટ ટ્રાન્સમીટર લગાડવામાં આવ્યા છે. 11 પક્ષીમાંથી 2 નર છે. આ ઉપરાંત પક્ષીવિદ્ સ્વ. લવકુમાર ખાચરની સ્મૃતિમાં એક ટેગ કરેલા નર પક્ષીનું નામ એલ.કે. રાખવામાં આવ્યું છે તેમજ ધર્મકુમારસિંહજીની સ્મૃતિમાં પણ એક ટેગ લગાડવામાં આવ્યો છે.
1936 સુધી ગીરમાં રાખોડી ચિલોત્રાની હાજરી નોંધાઈ
ગીરમાં રાખોડી ચિલોત્રાની હાજરી 1936 સુધી નોંધવામાં આવી હતી. બાદ ગીર અને આસપાસના વિસ્તારોમાં તેમની હાજરીની છૂટીછવાઈ અને દુર્લભ નોંધ જોવા મળી હતી.
રાખોડી ચિલોત્રાની 48 ટકા પ્રજાતિઓ ભયગ્રસ્ત
વૈશ્ર્વિક સ્તરે ચિલોત્રાની 62 પ્રજાતિઓ છે તેમાંથી લગભગ 48 ટકા પ્રજાતિઓ ભયગ્રસ્ત છે ત્યારે ગીરમાં રાખોડી ચિલોત્રાના પુન:સ્થાપન માટે કવાયત હાથ ધરાઈ છે.
- Advertisement -
ગુજરાતમાં માત્ર રાખોડી ચિલોત્રાની એક પ્રજાતિ
ભારતમાં ચિલોત્રાની દસ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં ગુજરાતમાં ચિલોત્રાની માત્ર એક પ્રજાતિ રાખોડી ચિલોત્રા ખાસ કરીને શિયાળામાં જોવા મળે છે.


