ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
દિન પ્રતિદિન વધતી ગરમીના તીવ્ર પ્રહારો સામે રસ્તે ચાલતા રાહદારીઓને આરામદાયક છાંયો આપવા, જૂનાગઢ સર્વોદય બ્લડ બેન્ક દવા ફંડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ શાખાના સંયુક્ત ઉપક્રમે એક માનવતાભર્યો અને સંવેદનશીલ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે ખાસ વિનામૂલ્યે ઠંડી છાશ વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.
અનોખું અને સેવા મંત્રથી ચાલતું એવું આ કેન્દ્ર જૂનાગઢના આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ હોલના પટાંગણમાં દરરોજ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ધમધમી રહ્યું છે. અહીંથી પસાર થતા શ્રમિકો, વયસ્કો, બાળકો અને વૃદ્ધો માટે ગરમીમાં આરામદાયક પળો ઊભી કરવા સર્વોદય બ્લડ બેન્ક દવા ફંડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢના કાર્યકરોએ માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. દરરોજ 300 લીટર જેટલી ઠંડી છાશનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવે છે, જેમાંથી 600થી વધુ રાહદારો લાભ મેળવે છે. ગરમીથી ત્રસ્ત અનેક લોકોને અહીં આરામ, તાજગી અને સંવેદનાની છાંયો મળે છે. રાહદારો ઠંડકનો આનંદ માણીને સેવા આપનાર સંસ્થાઓને તેમજ કાર્યકરોને દિલથી આશીર્વાદ પાઠવતા નજરે જોવા મળી રહ્યા છે. સેવા પ્રવૃત્તિ માત્ર ઠંડી છાશ પૂરું પાડતી નથી, પરંતુ એક સંદેશ આપે છે કે આ નાનકડા પ્રયાસ પણ એક મોટી માનવતાની લહેર ઊભી કરી શકે છે. સ્વયંસેવકોના સહયોગથી કાર્યરત આ પ્રયોગનું મુખ્ય ધ્યેય છે.