અતુલ પંડિતે સર્વ ફાઉન્ડેશનને દત્તક આપેલી સરકારી શાળાનાં MoU તાત્કાલિક અસરથી
રદ્દ કરી દેવા અરજી
પાપ અતુલ પંડિતનું અને સજા ભોગવે શાળાની બહેનો-બાળકો : જાણીતા આર્કિટેક્ટ ચૈતન્ય સિંહારે સરકારી શાળા દત્તક લઈ તેનો નકશો બદલી નાખ્યો
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તત્કાલીન ચેરમેન અતુલ પંડિત મસમોટા કૌભાંડો કરી વિદેશ નાસી છૂટ્યા છે. હાલ શિક્ષણ સમિતિના ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા પાસે છે ત્યારે અતુલ પંડિતે થોડા સમય અગાઉ કરેલા એક કૌભાંડના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે. અતુલ પંડિતના પાપની સજા એક સરકારી શાળાની બહેનો-બાળકોને ભોગવવી પડી રહી છે. આ અંગે સરકારી શાળાનાં આચાર્યએ સર્વ ફાઉન્ડેશનનાં પ્રમુખ ચૈતન્ય સિંહાર વિરૂદ્ધ મહિલા આચાર્યને ચેનચાળા કર્યાની અને શાળામાં વધુ પડતી દખલગીરી કરવા બાબતની અરજી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ડે. કમિશનરથી લઈ ગુજરાતના શિક્ષણમંત્રી અને સચિવને કરી છે. ખાસ-ખબર દ્વારા થોડા સમય અગાઉ જ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે સર્વ ફાઉન્ડેશનને એક સરકારી શાળા દત્તક દેવાના નામે પાછલા બારણેથી પૈસા લઈ વેંચી મારી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. હવે અતુલ પંડિત દ્વારા જે સરકારી શાળા સર્વ ફાઉન્ડેશનને દત્તક આપવામાં આવી છે તે એમઓયુને તાત્કાલિક અસરથી રદ્દ કરવા ઉચ્ચસ્તર સુધી અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ સરકારી શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓના વાલીઓ સહિત આશરે 50થી વધુ લોકોએ સરકારી શાળા દત્તક લેનાર સર્વ ફાઉન્ડેશનના પ્રમુખ ચૈતન્ય સિંહાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો પણ કર્યા છે. રાજકોટના જાણીતા આર્કિટેક્ટ ચૈતન્ય સિંહારના ચારિત્ર સામે સરકારી શાળાનાં આચાર્ય, શિક્ષકો, વાલીઓના બેફામ આક્ષેપથી શિક્ષણજગત સ્તબ્ધ છે. શિક્ષણ સમિતિમાંથી માલ બનાવી અતુલ પંડિત તો વિદેશ ભાગી ગયા છે, પાછળથી તેમણે કરેલા કૌભાંડના એક પછી એક બહાર આવી રહ્યા છે ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક તટસ્થ તપાસ સમિતિ રચી શિક્ષણ સમિતિમાં ચાલતી ગેરરિતિ અટકાવી જરૂરી બની જાય છે.
ચૈતન્ય સિંહારનાં ચારિત્ર્ય સામે આક્ષેપથી શિક્ષણજગત સ્તબ્ધ
સર્વ ફાઉન્ડેશન સમાજસેવકોની નહીં, માત્ર બિલ્ડરોની સંસ્થા!
- Advertisement -
સર્વ ફાઉન્ડેશન રાજકોટના કોઈ સમાજસેવકોની નહીં, પરંતુ કેટલાંક બિલ્ડરોની એક સંસ્થા છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છ જેટલા લોકોએ સર્વ ફાઉન્ડેશન સંસ્થાના નામે રાજકોટ શિક્ષણ સમિતિ પાસેથી એક સરકારી શાળા દત્તક લીધી છે. શહેરના પોશ એરિયામાં આવેલી સરકારી શાળા બિલ્ડરોને દત્તક આપવા બદલ અતુલ પંડિતે તેમની પાસેથી પાછલા બારણે મસમોટી રકમ લીધાનું પણ ચર્ચાઈ રહ્યું છે એટલું જ નહીં, સર્વ ફાઉન્ડેશનના સભ્યો એટલે કે બિલ્ડરો દ્વારા આ સરકારી શાળામાં દર રવિવારે પાર્ટી અને ગેટ ટુ ગેધર પણ ગોઠવવામાં આવે છે, મહિલા આચાર્ય અને શિક્ષકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે વગેરેની ફરિયાદ પણ ઉઠી છે. શાળાના સીસીટીવી ચેક કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.
સર્વ ફાઉન્ડેશને દત્તક લીધેલી શાળામાં ચૈતન્ય સિંહારનાં કારીગરોનો કબ્જો
સર્વ ફાઉન્ડેશનના પ્રમુખ ચૈતન્ય સિંહાર દ્વારા જે સરકારી શાળા દત્તક લેવામાં આવી છે તેમા તેના કારીગરોએ કબ્જો કરી લીધો છે. ચૈતન્ય સિંહારની સાઇટ પર કામ કરતા કારીગરો ગેરકાયદે આ સરકારી શાળાના વર્ગખંડમાં વસવાટ કરવા લાગ્યા છે અને મોટાભાગની જગ્યા પચાવી પાડી છે. સર્વ ફાઉન્ડેશનના સભ્યો પણ આ સરકારી શાળાનો અંગત કામકાજ માટે ઉપયોગ કરે છે. આ શાળાના આચાર્ય અને શિક્ષકોએ આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહતા તેથી સર્વ ફાઉન્ડેશનના સભ્યોની આ સરકારી શાળામાં દખલગીરી વધતા નાછૂટકે તેની સાથે સંકળાયેલાઓએ શિક્ષણ સમિતિ અને સર્વ ફાઉન્ડેશન વચ્ચે સરકારી શાળા દત્તક આપવાના એમઓયુ રદ્દ કરવા અપીલ કરી છે.
સર્વ ફાઉન્ડેશન વિરુદ્ધ કરવામાં આવેલી અરજીના મુખ્ય મુદ્દાઓ
સર્વ ફાઉન્ડેશન સાથે રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા શાળા દત્તક આપવાનો એમઓયુ કરવામાં આવેલો છે. સર્વ ફાઉન્ડેશન દ્વારા એક સરકારી શાળા દત્તક લઈ તેમાં બિનજરૂરી દખલગીરી કરવામાં આવતા સર્વ ફાઉન્ડેશન સાથે સરકારી શાળા દત્તક આપ્યાનો એમઓયુ તાત્કાલિક અસરથી રદ્દ કરવા ઉચ્ચ અધિકારીઓને જે અરજી કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે,
1. અમારી શાળાના પ્રજ્ઞા ક્લાસરૂમમાં અમારી જાણ બહાર તેમણે પ્રજ્ઞાનું સાહિત્ય જેમ કે પ્રજ્ઞા રેન્ક, લેડર, છાબડીઓ, ખીતીઓ, બાળકોની પ્રોફાઈલ દૂર કરી અમારી જાણ બહાર નાશ કરી દીધેલું છે જેની માઠી અસર અમારા પ્રજ્ઞા શિક્ષણ કાર્ય પર પડેલ છે. પ્રજ્ઞા અભિગમ સરકારશ્રીનો અભિગમ હોય અને અમારે તો સરકારશ્રીના નિયમ મુજબ ચલાવવાનો હોય તેવું તેમને વારંવાર જણાવવા છતાં તેમણે મનમાની કરી અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અહીત કરેલું છે.
2. જ્ઞાનકુંજ પ્રોજેક્ટના પ્રોજેક્ટર તથા હોમ થિયેટરના સ્પીકર્સને પણ નુકસાન પહોંચાડલું છે. આ ઉપરાંત અમારા ખોયા પાયા સ્ટોલ, અક્ષયપાત્ર, રામ હાટ જેવી વ્યવસ્થાને પણ વેરવિખેર કરી નાખેલા છે.
3. તેઓએ અગાસી ઉપર ખોદકામ કરી વરસાદના સમયે અગાસીની છત તોડી નાખેલી હોવાથી અમારા કોમ્પ્યુટર લેબમાં પાણી પડેલું જેના કારણે હાલમાં જ અમારી શાળાને દાનમાં મળેલા 15 કોમ્પ્યુટર તથા શાળાના જૂના 12 કોમ્પ્યુટર આમ 27 કોમ્પ્યુટરને તથા ઈલેકટ્રીક બોર્ડને બધું જ શોર્ટ-સર્કિટ થવાથી નુકસાન પહોંચાડેલું છે. શાળાના ટેબલ અને ફર્નીચરને તેઓએ નષ્ટ કરેલા છે. જેના કારણે હાલ અમારા બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપી શકાય તેમ નથી અને તેમાં ખલેલ પહોંચાડી છે.
4. શાળાના મકાન કે મેદાનમાં કોઈ પણ પરવાનગી વગર છેલ્લાં છ માસમાં તેમની મનમાનીથી તેઓએ ફેરફાર કરેલ છે, જેવી કે શાળાના રંગરોગાન કે જે માત્ર ત્રણ માસ પહેલાં જ કરેલું હતું. તેના પર તેમણે નવું રંગરોગાન કર્યું છે. જે પણ શાળાના નીતિ નિયમો મુજબ નથી. શાળાની સેનિટેશન વ્યવસ્થા વખોડી નાખી છે જેને લઈ શાળાના તમામ શિક્ષિકા બહેનો શિક્ષક ભાઈઓ તથા 890 બાળકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે.
5. અમારી શાળાની પાણીની વ્યવસ્થા પણ તેઓ દ્વારા ખૂબ ખરાબ રીતે દખલગીરી કરીને ખોરવી નાખી છે. શાળાનું તમામ પ્લમ્બિંગ કામ, ઠંડા પાણીનું ફ્રીઝ, આરો પ્લાન્ટ બધું જ વિખેરી નાખેલું છે જેના કારણે અમે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પાયાની સુવિધામાં તકલીફ પડી રહી છે અને બાળકો હેરાન થઈ રહ્યા છે.
6. સરકારશ્રીના નિયમ મુજબ શાળાની અંદર જે કાંઈ પેઈન્ટિંગ કરેલા હતા, શાળાના શિક્ષકોની માહિતી, શાળાના તમામ બ્લેકબોર્ડ, સુચના બોર્ડ, એસએમસી કમિટીની વિગત આ ઉપરાંત સમયે-સમયે સરકારે આપેલ સૂચના મુજબના પોસ્ટર્સ જે શાળામાં લગાડેલા હતા તે તેઓએ નિકાળી અને નષ્ટ કરેલું છે.
7. શાળાના મકાનનો ઉપયોગ તેઓ અમારી જાણ બહાર એમના ગેટ ટુ ગેધર અને પોતાના અંગત આયોજન માટે રાખી શાળાને ગંદી કરવામાં આવે છે અને મિજબાનીઓ કરવામાં આવે છે. શાળા પરિસરમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલું છે અને શાળાનો બગીચો જે શાળાના સમય બાદ અમે વિકસાવેલો છે તેમને પણ તેઓ નષ્ટ કરી રહ્યા છે.
8. શાળાનું તમામ ઈલેકટ્રીક ફીટીંગ ટ્યુબલાઈટો, પંખા, ઈલેકટ્રીક બોર્ડ બધું જ તેઓએ કાઢી અને તેમની મનમાની મુજબ જે શાળાની જરૂરિયાત અને નિયમ મુજબ નથી તેવી રીતે કરેલું છે. શાળાના 10 પંખા ગાયબ થયેલા છે. અમારા બધા જ પંખાઓ ચાલુ હતા, જે ચાલુ પંખામાંથી હવે તેઓએ 10 પંખા ગાયબ કરી અને બાળકોને પંખા ન નાખવાના કારણે ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે. શાળાની ચાવી જ્યારથી તેમને સોંપવામાં આવી છે ત્યારથી શાળાની ઘણી બીજી વસ્તુઓ પણ ગાયબ થયેલી જાણ પડી છે. સરકારશ્રીના નિયમોને ધ્યાનમાં લેવા કરાર થયા હોવા છતાં પણ અમે તેમનું ધ્યાન દોરતાં તેઓએ સતત તેમનું ઉલ્લંઘન કરેલ છે. અમે જ્યારે તેઓનું ધ્યાન દોરીએ છીએ ત્યારે તેઓ અમને અપમાનિત કરી અને જિલ્લા બહાર બદલી કરી નાખવાની ધમકીઓ આપે છે.
9. છેલ્લે તો તેઓનું વર્તન તમામ સીમાઓને પાર કરી ચાલુ શાળા દરમિયાન એક મહિલા આચાર્ય કર્મચારી સાથે ન છાજે તેવું વર્તન કર્યું છે. તારીખ 24-07-22એ 1-30 કલાકે સર્વ ફાઉન્ડેશનના પ્રમુખ મેમ્બર દ્વારા ચાલુ ફરજ પર શાળાના આચાર્ય મહિલા સાથે તેમની માનહાનિ થાય તેવી રીતે તેમને સ્પર્શ કરેલ જે ખરેખર અતિદુ:ખની વાત છે. આ પરથી જો ખુદ આચાર્યની સલામતી જોખમાતી હોય તેવું સતત આચાર્ય અનુભવી રહ્યા છે.