ગામના નાગરિકે અરજી કરતા વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ મથકે કરાઈ હતી લેખિત રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગોરીયાવડ ગામના હરપાલસિંહ ઝાલા નામના જાગૃત નાગરિક દ્વારા એક અરજી કરવામાં આવી હતી જેમાં ગોરિયાવડ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની જર્જરીત આંગણવાડી જમીન ભરતુ કરવા કે હરાજી કરી અન્યને પધરાવી દેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાની શંકાના આધારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને આ જગ્યાએ લાઈબ્રેરી બનાવવા માટે માગ કરાઈ હતી.
- Advertisement -
મળતી માહિતી મુજબ આ બાબતે ગામના વોટ્સએપ ગ્રુપમાં મહિલા સરપંચના પુત્ર ભગવાનપુરી,ગોવિંદપુરી દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, આટલું જ નહીં જાગૃત નાગરિક હરપાલસિંહ ઝાલાને સરપંચ પુત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ લેખિત અરજીમા કરવામાં આવ્યા છે ત્યારે પાટડી પોલીસ દ્વારા સરપંચ પુત્ર ભગવાનપુરીને પોલીસ મથકે બોલાવી કાર્યવાહી આદરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે,જાગૃત નાગરિકે ગામના હિત માટે રજૂઆત કરતા સરપંચ પુત્ર દ્વારા ગામના વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાથી અરજદાર દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગોરિયાવડ ગામના તલાટી કમ મંત્રી તથા સરપંચના સહી સિક્કા વાળુ ફોર્મ સામે આવતા ભરતું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની શંકા ઉપજી હતી આથી જાગૃત નાગરિક હરપાલસિંહ ઝાલા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
ગોરિયાવડ તલાટી કમ મંત્રી સ્વસ્તિકભાઈ અને સરપંચના સહી સિક્કા વાળું કોરુ ફોર્મ ગામના એક નાગરિકને આપવામાં આવ્યું હતું. માત્ર સહી સિક્કા કરી કોરું ફોર્મ આપવા બાબતે પણ તપાસ કરવા માગ કરવી જરૂરી બની છે.
સરપંચ પુત્ર દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાની રાવ સાથે દસાડા તાલુકા પંચાયત કચેરીના સલગ્ન અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી ચોક્કસ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. સરપંચ પુત્ર એસ.સી. કેટેગરીના ન હોવા છતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવવામાં આવશે તેવો મેસેજ કરી ધમકી આપી સામાજિક વેમનસ્ય ફેલાય તેઓ પ્રયાસ કરાયો હોવાના આક્ષેપનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વિશે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ
હરપાલસિંહ ઝાલા દ્વારા પોલિસ મથકે આપવામાં આવેલ અરજીમાં જાણવા મળતી વિગત મુજબ સરપંચ પુત્ર ગોવિંદપુરી દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી વિશે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવામાં આવ્યો હતો જો કે ભાજપના આગેવાને સમજાવતા મેસેજ ડીલીટ કરી દેવામાં આવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે
- Advertisement -
સરપંચ પુત્ર ગામમાં રોફ જમાવતા હોવાની રાવ
સરપંચ પુત્ર ગોરીયાવાડ ગામમાં પોતે સરપંચ હોય તથા ગ્રામસભામાં પણ સરપંચ તરીકેનો રોફ જમાવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે જેથી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ આ બાબતે તપાસ કરી યોગ્ય કરવામાં આવે તેવી પણ માગ ઉઠી રહી છે