કોઈ ફરિયાદ કરે તો તપાસ કરું: મામલતદાર મકવાણાનો ઉડાઉ જવાબ
ગુંદાળા સરવે નંબર 7, 8 અને 9માં આચરવામાં આવેલી આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે ‘ખાસ-ખબરે’ રાજકોટ ગ્રામ્યનાં મામલતદાર કિર્તી મકવાણા સાથે વાતચિત કરી હતી અને એમને પૂછયું હતું કે, ‘શું આ રોડ બનાવવા કોઈ મંજૂરી બિલ્ડરોએ લીધી છે?’ તેના પ્રત્યુત્તરમાં મામલતદારે જણાવ્યું હતું કે, આવી કોઈ મંજૂરી બિલ્ડરે લીધાનું તેમની જાણમાં નથી! આ અંગે તેઓ કેવા પગલાં લેશે તેવું પૂછવામાં આવતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે, ‘કોઈ ફરિયાદ કરે તો પગલાં લઈએ!’ સવાલ એ છે કે, આટલાં મોટા પાયે જ્યારે સરેઆમ ખોટું થતું હોય ત્યારે કોઈની ફરિયાદની રાહ જોવાની જરૂર શી છે? શું કોઈ ફરિયાદ કરે તો જ પગલાં લેવાનાં? શું સામે ચાલીને પગલાં લેવાની તેમની કાયદાકીય ફરજ અને નૈતિક જવાબદારી નથી? મામલતદાર મકવાણાનો આ જવાબ જ દર્શાવે છે કે સરકારી તંત્રમાં આર. કે. ગ્રૂપનાં મૂળિયાં કેટલાં ઊંડા છે.
- Advertisement -
મેં પૂછયું તો બિલ્ડરે કહ્યું ઉપરથી મંજૂરી છે: સરપંચ વિક્રમ બસિયા
આર. કે. ગ્રૂપનાં ગેરકાયદે કબાડાં બાબતે સરપંચ વિક્રમ બસિયાએ અવાજ ઉઠાવ્યો હતો અને આ અંગે પૃચ્છા કરી હતી. ગામલોકોએ અને સરપંચે આ રસ્તાનો વિરોધ કર્યો હતો ત્યારે બિલ્ડરે જણાવ્યું હતું કે, ‘અમે ઉપરથી મંજૂરી લઈ લીધી છે!’ આ ‘ઉપરથી’ એટલે ક્યાંથી એ વિશે તેમણે કશો જ ફોડ પાડ્યો ન હતો અને મંજૂરીનો પત્ર પણ દેખાડ્યો ન હતો. આમ, લાગવગ પર મુસ્તાક બિલ્ડરે ગામલોકોની અને સરપંચની સામે પણ જંગ માંડ્યો છે.
આખો મામલો ગંભીર: કલેકટર જોશી તપાસ કરે
ગેરકાયદે રસ્તાનું અને ગેરકાયદે ખનનનું આ કૌભાંડ તોસ્તાન છે અને આર. કે. ગ્રૂપ ભારે વગદાર છે એ સૌને ખ્યાલ છે. આવી સ્થિતિમાં ખૂદ કલેકટર પ્રભવ જોશી આ મામલો સંભાળે તેવી લોકોની લાગણી છે. કહેવાય છે કે, પ્રભવ જોશી કોઈનાં પ્રભાવમાં આવતાં નથી. જોઈએ, આ મામલામાં આ વાત સાચી ઠરે છે કે કેમ.