મહિલા પાસે ગર્ભ પરિક્ષણ કરવા મશીન ક્યાંથી આવ્યું? અને કોની મદદથી ગર્ભપાત કરાવતા હતા? ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ફરી એક વખત ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણનો પર્દાફાશ થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેરના સહકાર મેઈન રોડ પરની રઘુવીર સોસાયટીમાં રહેતી અને માત્ર ધો. 12 ભણેલી મહિલા સરોજ વિનોદ ડોડીયા ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતી ઝડપાઈ છે, એટલું જ નહીં પરંતુ ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતી બોગસ મહિલા તબીબ સરોજ ડોડીયા ચાર વર્ષમાં બીજી વખત ઝડપાઈ છે જેના કારણે અનેક શંકાઓ ઉભી થવા પામી છે. આ મહિલા પાછળ કોઈ ડોકટરની ભૂમિકા અથવા તો શહેરની કોઈ મોટી હોસ્પિટલની પાછલા બારણે મોટી ભૂમિકા હોવાની શંકાઓ ઉપજે છે. વર્ષ 2021માં સરોજ ડોડીયા રૈયા રોડ પરથી પકડાતા જેલની હવા ખાધા બાદ ફરી એક વખત રઘુવીર સોસાયટીમાં ગોરખધંધો શરૂ કરતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
શહેરના સહકાર મેઇન રોડ પરની રઘુવીર સોસાયટીમાં રહેતી અને અગાઉ ગર્ભપાતના ગોરખધંધામાં ઝડપાઇ ચૂકેલી સરોજ વિનોદ ડોડિયા (ઉ.વ.40)એ ફરી ગોરખધંધા શરૂ કર્યા હતા. પોલીસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની સીતાજી ટાઉનશિપના એક ક્વાર્ટર્સમાં દરોડો પાડી સરોજ ડોડિયાને ગર્ભપરીક્ષણના ગુનામાં રંગે હાથ ઝડપી લીધી હતી. સરોજ ડોડિયા અગાઉ ઝડપાઇ જવાને કારણે સતર્ક બની હતી અને ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલ રાખી હતી. પોલીસે મહિલા દલાલનો સંપર્ક કર્યા બાદ ઓપરેશન પાર પાડ્યું હતું. સરોજ ડોડિયાએ મહિલા કોન્સ્ટેબલનું ગર્ભપરીક્ષણ કરતાં જ એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમ ખાબકી હતી અને સરોજને ઝડપી લઇ સ્થળ પરથી સોનોગ્રાફી મશીન સહિત કુલ રૂ.4,10,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડાની જાણ થતાં દલાલ મહિલા ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. સરોજે ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો હતો.
રઘુવીર સોસાયટીમાં રહેતી અને અગાઉ ગર્ભપાતના ગુનામાં સંડોવાઇ ચૂકેલી સરોજ વિનોદ ડોડિયા (ઉ.વ.40)એ ફરીથી ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના ગોરખધંધા શરૂ કર્યાની એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ, કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને માહિતી મળતાં તેમણે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. અગાઉ પોલીસે પકડી લીધી હોય અને જેલયાત્રા પણ થઇ ચૂકી હોવાથી સરોજ આ વખતે વધુ સતર્ક બની હતી અને તે સીધી કોઇની સાથે આ બાબતે વાત કરતી નહોતી. તેણે આ કામ માટે મહિલા દલાલો રાખી હતી. એસઓજીની ઉપરોક્ત ટીમને એક મહિલા દલાલનો નંબર મળ્યો હતો અને તે મોબાઇલ નંબર પર કોન્સ્ટેબલ મીતલબેન ગોહિલે વાર્તાલાપ શરૂ કર્યો હતો. મીતલબેને મહિલા દલાલને કહ્યું હતું કે, તેમના બહેનને બે પુત્રી છે અને તે ફરીથી સગર્ભા છે, પુત્ર હોય તો તેને જન્મ આપવો છે અને દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખવો છે.
- Advertisement -
મહિલા દલાલે શરૂઆતમાં તો ગલ્લાતલ્લા કર્યા હતા, પરંતુ કોન્સ્ટેબલ મીતલબેને પોતાની ઓળખ છતી થવા દીધી નહોતી અને એક સગર્ભાના બહેન તરીકે જ વાત કરી રહ્યા હોય તેવી રીતે વાર્તાલાપ આગળ વધાર્યો હતો. અંતે મહિલા દલાલને વિશ્ર્વાસ બેઠો હતો અને ગર્ભપરીક્ષણ માટે રૂા. 20 હજાર ચાર્જ કહ્યો હતો. દલાલને શંકા ન જાય તે માટે કોન્સ્ટેબલ મીતલબેને પોતાના બહેન ગરીબ પરિવારના છે તેમ કહી ફી ઘટાડા માટે આજીજી કરતાં મહિલા સરોજ ડોડિયા સીતાજી ટાઉનશિપના જે ક્વાર્ટર્સમાં ગોરખધંધા ચલાવતી હતી તે મુદ્દે પીઆઇ જાડેજા સહિતના સ્ટાફે તપાસ કરી તો એ ક્વાર્ટર્સ પણ ગેરકાયદે સરોજે ખરીદ્યાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ક્વાર્ટર્સ સરોજે મદ્રાસી પરિવારને ભાડે આપ્યું હતું. સરોજનું ગ્રાહક કોઇ સગર્ભા આવે ત્યારે એક રૂમ આ પરિવાર ખાલી કરી આપતો હતો. પોલીસે તપાસ કરી તો આ ક્વાર્ટર્સ અન્ય કોઇ વ્યક્તિના નામે હતું, પરંતુ સરોજે આવા ગોરખધંધા કરવા માટે એ ક્વાર્ટર્સ મૂળ માલિક પાસેથી ખરીદ કરી લીધું હતું. સાત વર્ષ પહેલાં મકાન વેચી શકાય તેમ ન હોવાથી સરોજે સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી લીધું હતું અને મકાનનો કબજો મેળવી તે મદ્રાસી પરિવારને ભાડે આપી દીધું હતું. આમ સરોજ ડોડીયા પાછળ કોઈ ડોકટરની ભૂમિકા હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
વધુમાં એસ.ઓ.જી.ના સૂત્રોએ જણાવ્યું હતું કે સરોજ ડોડીયા સોનોગ્રાફી મશીન ભાડે લીધાનું કહી રહ્યા છે. જો કે આ મશીન અધિકૃત ડોકટરો સિવાય કોઈને મળતું નથી તો પછી કોની મદદથી આ મશીન લીધું અને કોની મદદથી ગર્ભપાત કરાવી આપતા હતા? શું આ મશીન લેવામાં કોઈ મોટી હોસ્પિટલ કે મોટા ડોક્ટરે મદદ કરી હતી? તે અંગે પોલીસ હવે તપાસ કરશે. જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે.