જૂનાગઢ અને ખામધ્રોળના ત્રણ શખ્સ સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
ભેસાણ તાલુકાના પાટવડ કોઠા પાસે આવેલા સરકડિયા હનુમાનજી મંદિરના 63 વર્ષીય મહંત હરિદાસજી રાઘવદાસજીએ બુધવારે ભેસાણ પોલીસમાં એક ગંભીર ફરિયાદ નોંધાવી છે. તેમણે ખામધ્રોળનાં નરેન્દ્ર અરજણભાઈ રાદડિયા, જૂનાગઢના ધ્રુવસિંહ ઝાલા અને પરેશ ત્રિવેદી વિરુદ્ધ ગાળાગાળી કરી ધમકી આપી હોવાનો આરોપ મૂક્યો છે. આ મામલો એક જમીન વિવાદ સાથે સંકળાયેલો છે, જેમાં કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું મહંતે જણાવ્યું છે.
વૃદ્ધ મહંત હરિદાસજીએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ 15 વર્ષ પહેલાં ગોલાધર ગામે સંકટ મોચન હનુમાનજીની જગ્યામાં સેવા પૂજા કરતા હતા. તે સમયે, તા. 6 ઓગસ્ટ, 2010ના રોજ તેમણે જૂનાગઢ તાલુકાના મજેવડી ગામના રેવન્યુ સર્વે નંબર 328/2 પૈકી-1, હે.આરે.ચો.મી. 2-06-39 વાળી જમીન મજેવડીના મનસુખભાઈ મનજીભાઈ રૂડાણી પાસેથી ખરીદી હતી. મહંત પોતે ખામધ્રોળના ખાતેદાર ન હોવાથી અને નરેન્દ્ર અરજણભાઈ રાદડિયા મંદિરે આવતા હોવાથી, મહંતને તેમના પર ખૂબ ગાઢ વિશ્વાસ હતો. આ વિશ્વાસને કારણે જમીન નરેન્દ્ર રાદડિયા અને તેની માતા લાધીબેનના નામે કરવામાં આવી હતી. જમીન વિવાદવાળી હોવાથી, નરેન્દ્રભાઈ પાસેથી જમીનનું ટાઈટલ ક્લિયર થયા બાદ તે મહંતના નામે કરી દેવાનું લખાણ પણ કરાવવામાં આવ્યું હતું.
જમીનનો દાવો કોર્ટમાં ચાલુ હતો તે દરમિયાન, નરેન્દ્ર રાદડિયાએ જમીન મારી છે અને મારા નામે છે તેમ કહેવાનું શરૂ કર્યું. આથી, તા. 8 ડિસેમ્બર, 2012ના રોજ જમીનનું સાટાખત મહંતના નામનું કરવામાં આવ્યું હતું. તે સમયે, મહંતે નરેન્દ્ર અને તેની માતાને રૂપિયા 40 લાખ આપ્યા હતા અને દસ્તાવેજ થાય ત્યારે વધુ રૂપિયા 1.20 કરોડ આપવાના હતા, જેનો સમજૂતી કરાર પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, નરેન્દ્રના માતા લાધીબેનનું મૃત્યુ થયું હતું. જમીનનું ટાઈટલ ક્લિયર થતા જ, નરેન્દ્રએ તેના ભાઈ, ભાભી, બહેન, ભત્રીજો અને ભત્રીજીના નામની એન્ટ્રી જમીનમાં પડાવી લીધી હતી, જે મહંત સાથેના કરારનો ભંગ હતો.
- Advertisement -
ગત તા. 7 જૂનના રોજ બપોરે, મહંત હરિદાસજી સરકડીયા હનુમાન મંદિરે હતા ત્યારે નરેન્દ્ર રાદડિયા, ધ્રુવસિંહ ઝાલા, પરેશ ત્રિવેદી તથા અન્ય બે સાધુ આવ્યા હતા. જમીન બાબતે ચર્ચા કરતા હતા તેવામાં નરેન્દ્રએ અઢી કરોડ રૂપિયા ની માંગણી કરી હતી. મહંતે આ માંગણીનો ઇનકાર કરતા, નરેન્દ્ર, ધ્રુવસિંહ અને પરેશે ગાળો ભાંડી હતી. નરેન્દ્રએ ધમકી આપતા કહ્યું હતું કે, જમીનમાં મેં મારા કુટુંબીજનોના નામે એન્ટ્રી પડાવી દીધી છે. તું મારું કશું બગાડી નહીં લે અને અગાઉ તું બચી ગયો હતો પરંતુ હવે તને મુકીશ નહીં.