રામનાથપરા મુક્તિધામમાં 6 મહિનામાં કુલ 2500 મૃતકને અગ્નિદાહ અપાયા હતા
સરગમ ક્લબના હોદ્દેદારોએ સ્વ.વિજયભાઈ રૂપાણીના અસ્થિને પવિત્ર નદીમાં પધરાવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત શહેરના મધ્યમાં રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરીથી જૂન સુધીમાં જે મૃતકને અગ્નિદાહ અપાયા હતા તેમના 29 જૂનને રવિવારે બ્રાહ્મણોએ શાસ્ત્ર વિધિ મુજબ મૃતકોના તમામ સ્વજનોની હાજરીમાં અસ્થી પૂજન કરાવ્યા હતા. સરગમ કલબની ટીમ દ્વારા હરિદ્વાર મુકામે ગંગાઘાટના હરકીપૌડી ઘાટ પર 2500 અસ્થિનું પૂજન બાદ વિસર્જન કરવામાં આવ્યુ હતું.
રાજકોટના રામનાથપરા મુક્તિધામમાં છ મહિનામાં કુલ 2500 મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા. જે તમામના વ્યક્તિગત નામ લઇ તેની બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિથી પૂજન કરી ત્યારબાદ તેનું પવિત્ર નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.
આ તકે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પણ અસ્થિનું પૂજન કરી સરગમ ક્લબના હોદેદારોએ અસ્થિ પવિત્ર નદીમાં પધરાવ્યા હતા. તેમજ સરગમ કલબના તમામ સભ્યોએ ગંગા નદીમાં સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કર્યું હતુ. આ સેવાકીય કામ માટે ગુણવંતભાઈ ડેલાવાળા માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બરની ટીમ રમેશભાઈ અકબરી, નરેન્દ્રભાઈ આડેશરા, કનૈયાલાલ ગજેરા, ડો.પંકજભાઈ રાઠોડ, જયસુખભાઈ ડાભી, સુરેશભાઈ દેત્રોજા, દીપકભાઈ શાહ, હરેશભાઈ શાહ, રાજેન્દ્ર્ભાઈ શેઠ સહિતના ઉપસ્થિત રહ્યા અને સાધુઓને ભોજન કરાવ્યુ હતુ.