મંત્રીએ સનાળા રોડ પરથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું: લોખંડી પુરુષના યોગદાનને યાદ કરાયું, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાની એકતા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત રાજકીય આગેવાનો, કલેક્ટર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
સનાળા રોડ પર આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી મંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મણીમંદિર સુધી પહોંચી હતી. આ દરમિયાન “જય સરદાર” નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
- Advertisement -
મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશના 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે વધુમાં ગૌરવભેર ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે જે ચાંદીનો ફાળો એકત્ર થયો હતો, તેમાં મોરબીના ઉદ્યોગકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીથી કરેલી તુલાની ચાંદીનો ઉપયોગ કરાયો હતો, જે મોરબી માટે ગર્વની વાત છે. આ યાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અને કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



