કાંધલ જાડેજાનું નેતૃત્વ: રાણાવાવ-કુતિયાણામાં સમાજવાદી પાર્ટીની ભવ્ય જીત
ભાજપના દિગ્ગજ નેતાઓના જોરદાર પ્રચાર છતાં કુતિયાણામાં કાના જાડેજાએ ઇતિહાસ રચ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
ગુજરાતની હોટ સીટ ગણાતી કુતિયાણા ચૂંટણીમાં પ્રથમ વખત સમાજવાદી પાર્ટીએ શાનદાર જીત હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓના જોરદાર પ્રચાર છતાં કાંધલ જાડેજાના નેતૃત્વમાં સપાએ ભગવો ઢાળી દિધો. સાંસદ ડો. મનસુખ માંડવીયા સહિત ભાજપના અનેક નેતાઓએ પ્રચારની ચક્રવ્યૂહ રચી હોવા છતાં, કાના જાડેજાએ પોતાના રાજકીય પ્રભાવ અને વ્યૂહાત્મક અભિગમથી આ વિજય સુનિશ્ચિત કર્યો. રાણાવાવની ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીએ પોતાનો દબદબો દાખવી દીધો. રાણાવાવ નગરપાલિકાની 28 બેઠકોમાંથી 20 બેઠકો પર સપાએ જીત મેળવી હતી, જ્યારે ભાજપ માત્ર 8 બેઠકો સુધી મર્યાદિત રહી.તેમજ કુતિયાણા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 14 બેઠકો પર સપાએ જીત મેળવી હતી, જ્યારે ભાજપ 10 બેઠકો સુધી મર્યાદિત રહી. રાણાવાવ અને કુતિયાણાની જીત માટે મુખ્યત્વે હિરલબા જાડેજાના પ્રભાવશાળી પ્રચાર અને કાંધલ જાડેજાના લોકપ્રિયતાને ક્રેડિટ આપવામાં આવી રહ્યું છે. ચૂંટણી સમયે વિવિધ ટકરાના મુદ્દાઓ વચ્ચે, સમાજવાદી પાર્ટી રણનીતિમાં ભાજપ પર ભારે પડી. કુતિયાણાની નગરપાલિકા ચૂંટણીમાં કાના સરમણભાઈ જાડેજાએ જીત સાથે રાજકીય કારકિર્દીનો શાનદાર પ્રારંભ કર્યો છે. જાડેજા પરિવાર અગાઉ ત્રણ ધારાસભ્યો આપી ચૂક્યો છે – સ્વ. સંતોકબેન જાડેજા, સ્વ. ભૂરાભાઈ જાડેજા અને હાલના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા. કાના જાડેજાએ આ વારસાને આગળ વધારતાં સમાજવાદી પાર્ટીને ભવ્ય જીત અપાવી છે.
પોરબંદરમાં ‘કાંધલ જાડેજા કા સિર્ફ નામ હી કાફી હૈ’
કાંધલ જાડેજા ગમે તે પક્ષમાં જાય અથવા અપક્ષ તરીકે પણ ચૂંટણી લડે, જનતાનો સાથ અને કાંધલભાઈનો તેમના પ્રત્યે વિશ્વાસ હંમેશા તેમની સાથે રહ્યો છે. તેમના સ્વબળ અને લોકપ્રિયતાના કારણે, તેઓ જે પક્ષમાંથી લડે તે જીતની સીમા પાર કરે. અગાઉ એનસીપીના ટિકિટ પર વિજય મેળવ્યા બાદ, હવે સમાજવાદી પાર્ટી માટે તેઓ શાનદાર જીત લાવવાનો એકમાત્ર મુખ્ય ચહેરો બની રહ્યા છે.
રાજકારણમાં પરિવર્તનનો સંકેત?
ભાજપ માટે આ હાર ગંભીર ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે સમાજવાદી પાર્ટી ગુજરાતમાં પોતાની શાનદાર એન્ટ્રી કરી રહી છે. ખાસ કરીને, કાંધલ જાડેજાની લોકપ્રિયતા અને કાના જાડેજાની રાજકીય દમદાર એન્ટ્રી ભવિષ્યમાં ભાજપ માટે પડકાર ઉભો કરી શકે છે. આ જીત માત્ર એક ચૂંટણીનું પરિણામ નથી, પણ ગુજરાતના રાજકીય ગતિશીલતામાં ફેરફારનો સંકેત પણ છે.
ચૂંટણીનું ચિત્ર: રાણાવાવ અને કુતિયાણા
રાણાવાવ (કુલ 28 બેઠકો):
ભાજપ: 08
સમાજવાદી પાર્ટી: 20
અન્ય: 00
વિજેતા: સમાજવાદી પાર્ટી
કુતિયાણા (કુલ 24 બેઠકો):
ભાજપ: 10
સમાજવાદી પાર્ટી: 14
અન્ય: 00
વિજેતા: સમાજવાદી પાર્ટી