રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ
23 ગોલ્ડમેડલ અને 4 સિલ્વરમેડલ સાથે કુલ 766 વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત
- Advertisement -
સંસ્કૃત વિદ્વાન ડૉ. વસંત પરીખ સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટને સંસ્કૃત વિદ્વાન-2025 પુરસ્કાર
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળ ખાતે યોજાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, જો ભારતીય સંસ્કૃતિને જાણવી હશે, તો સંસ્કૃત ભાષા શીખવી જ પડશે. ભારતીય જ્ઞાન-પરંપરાના મૂળ આધારરૂપ વેદ, ઉપનિષદ વગેરે સંસ્કૃતમાં જ લખાયેલા છે. તેના આધારે જ ગીતા, રામાયણ-મહાભારત તેમજ સ્ત્રોતસૂત્ર અને ગ્રંથોની રચના થઈ છે. આ રીતે વેદ આપણી સંસ્કૃતિ અને ધર્મનો આધારસ્તંભ છે. પ્રાચીન ભારતીય વૈચારિક દર્શન અને જીવનદર્શનનો મૂળ આધાર સંસ્કૃત સાહિત્ય અને તેમાં લખાયેલા ગ્રંથો છે, તે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓને શીખ આપતાં તેમણે જણાવ્યું હતું કે, જે રીતે આપણે વૃક્ષના મૂળને પાણી આપીએ તો સમગ્ર વૃક્ષ હર્યુભર્યું બને છે. તે રીતે જ જો મનુષ્યને પૂર્ણતા પામવી હશે તો તેના મૂળમાં સંસ્કૃતરૂપી સિંચન કરવું જરૂરી છે. સંસ્કૃત યુનિવર્સિટી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અર્થે, લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરૂચિ કેળવાય તે માટે પ્રયત્નશીલ છે, તેમ જણાવી રાજ્યપાલશ્રીએ સંસ્કૃત યુનિવર્સિટીની સંસ્કૃત વિદ્યાલક્ષી કામગીરીને બીરદાવી હતી.આ અવસરે રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે શાસ્ત્રાધિગમ સંદર્ભે લૌકિક્ધયાયાં: (ડો.બી.ઉમા મહેશ્વરી), ધર્મશાસ્ત્રસ્ય આધુનિકવિજ્ઞાનસ્ય ચ અન્ત:સંબંધમ (ડો.વિશ્વબંધુ), આયુર્વિજ્ઞાનમ (ડો.સિહેચ નાગરાજુ), યોગવિજ્ઞાનમ (ડો.ભારતભૂષણરથ), વિકસિતે ભારતે સંસ્કૃતમ(ડો.પ્રિયવ્રત મિશ્ર) એમ પાંચ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન ડો. વસંત પરીખને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2025 પુરસ્કાર અને શોધાર્થી નિકુલ શાન્તિલાલ શીલુને ‘શોધવિભૂષણમ્’ પુરસ્કાર-2025 એનાયત કરવામાં આવ્યો હતો. આ દિક્ષાંત સમારોહમાં શાસ્ત્રી (બી.એ.)-340, આચાર્ય (એમ.એ.)-195, પી.જી.ડી.સી.એ.-169, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-52 અને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)-10 અને 23 ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને 04 સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ મળીને 27 જેટલા પદકો સાથે કુલ 766 ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતાં. આ અવસરે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત સંસ્કૃત યુનિવર્સિટીના પ્રધ્યાપકો, સંતો-મહંતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં