કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ હાલની સ્થિતિમાં મદદરૂપ થવા માટે અલગ પ્રકારે આગળ આવી રહી છે. નિસ્વાર્થ પણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલના કોરોના વોરિયર્સને સહાયરૂપ બની રહી છે. ત્યારે દેશના જાણીતા શૅફ સંજીવ કપૂરે અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે મદદ કરવાનું નક્કી કર્યું છે. તેમણે આ વોરિયર્સ માટે ત્રણ ટાઈમ વિના મૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.તેમણે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂંક કરીને સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઈમ ભોજન આપવાની વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું છે. સંજીવ કપૂર દ્રઢ પણે માને છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર દર્દીઓની સેવા કરી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ આ અંગે કહ્યું હતું કે બે દિવસ અગાઉ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે તેમની ભાવનાઓને બિરદાવીએ છીએ.