ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ગાડીમાં તોડફોડ કરતા બબાલ શહેરમાં સફાઈના અભાવે કચરાના ઢગ જામ્યા
સફાઈ કર્મીઓ વિવિધ માંગોને લઈને ત્રીજા દિવસે કામકાજથી દૂર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ શહેરમાં મહાનગર પાલિકા સામે વિવિધ માંગને લઈને સફાઈ કર્મચારીઓ હડતાલ તેજ કરી છે. ત્યારે આજે હડતાલના ત્રીજા દિવસે પણ સફાઈ કામદારો કામકાજથી દૂર રહેતા શહેરમાં સફાઈના અભાવે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. પ્રથમ દિવસે મહાનગર પાલિકાના પદાધિકરીઓને સફાઈ કામદારોની વિવિધ મુદ્દે રજૂઆત કરી ધરણા પ્રદર્શન યોજાયા હતા અને બીજા દિવસે હાજીયાણી બાગની ડમ્પિંગ સાઈડ ઉપર જઈને ડોર ટુ દોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડીઓ એડીઇ સુઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જયારે આજે પણ કોઈ નિર્ણય નહિ આવતા હડતાલ શરુ રાખી છે. સફાઈ કામદારોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કચરા કલેક્શનના કામમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓમાં રોજમદારોને કાયમી કરવા, મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારના સભ્યને નોકરી આપવી, અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગણી છે. સફાઈ કામદારો આ પહેલા પણ અગાઉ અનેક વાર મહાનગર પાલિકાના શાશકો અને અધિકરીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં સફાઈ કર્મીની માંગને કોઈ યોગ્ય પ્રત્યુત્તર નહિ મળતા હડતાલ તેજ કરી છે. ગત રોજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી એક ગાડી માંગનાથ રોડ ઉપર કચરો એકત્ર કરવા નીકળી હતી ત્યારે વાહનને નિશાન બનાવી તેમાં તોડફોડ કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. એક તરફ સફાઈ કામદારો હડતાલ ઉપર છે ત્યારે સફાઈ કોન્ટ્રાકટર દ્વારા કચરા કલેક્શનના વાહનો શરુ કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો અને માંગનાથ રોડ પર કચરા કલેકશન કરતી ગાડી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો અને ગાડીમાં તોડફોડ કરતા સમગ્ર મામલો એ.ડિવિઝન પોલીસ સ્ટેશને પોહ્ચ્યો હતો. જયારે આ ગાડી ઉપર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.આમ પોલીસે પણ ત્રણ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. જયારે સફાઈ કામદારોની માંગનો હજુ સુધી કોઈ નિરાકરણ નહિ આવતા હડતાલ ઉગ્ર બની છે.
કચરો કલેક્શન કરતી ગાડી પર હુમલા મામલે 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
જુનાગઢમાં મહાનગરપાલિકાના સફાઈ કામદારોની વિવિધ માંગને લઈને હડતાલ દરમિયાન એક ગંભીર ઘટના બની છે. શહેરના માંગનાથ રોડ પર કચરો ભરવા ગયેલા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહન પર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી માલદેભાઈ લાખાભાઈ બારડના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકાનું ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહન જીજે 11 વીવી 2936 માંગનાથ રોડ પર કચરો ભરવા જઈ રહ્યું હતું. તે સમયે, અંદાજે ત્રણ અજાણ્યા માણસોએ વાહનના ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું, જેમ ફાવે તેમ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ હુમલામાં હુમલાખોરોએ વાહનનો આગળનો કાચ તોડી નાખ્યો હતો, જેના કારણે આશરે રૂ.7,000નું નુકસાન થયું હતું. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પીએસઆઈ એ.એચ. માધવાચાર્ય વધુ તપાસ હાથધરી છે.



