સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું : એક હિટાચી, 6 ડમ્પર, નદીમાં રેતી કાઢવાની 7 બોટ, 4 બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં ખનીજચોરીનું દૂષણ વ્યાપક બન્યું છે, પડધરી તાલુકાના હરિપર ખારી અને ખાખડાબેલાની સીમમાં આજી-3 ડેમના કિનારા વાળી જગ્યાએ ડેમમાંથી રેતીચોરી લાંબા સમયથી ચાલી રહી હતી, સ્થાનિક પોલીસ આ વાતથી અજાણ હોય તે વાત કોઇને માન્યામાં આવતી નહોતી, ત્યારે રવિવારે સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી હરિપર ખારીમાં દરોડો પાડી ખનીજચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, સ્થળ પરથી હોડી અને હિટાચી સહિત કુલ રૂ.1,97,15,238નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
- Advertisement -
પડધરી તાબેના હરિપર ખારી ગામ, આજી-3 ડેમના કિનારા વાળી જગ્યાએ ખનીજ વિભાગની લીઝ કે મંજૂરી વગર બેફામ ખનીજચોરી ચાલતી હોવાની ખાખડાબેલાના ટીનુભા જાડેજા અને હરિપરના માંડાભાઇ ભરવાડે માહિતી આપતા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી કામરિયા સહિતની ટીમ રવિવારે સાંજે હરિપર ખારીમાં ખાબકી હતી, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પહોંચતા જ કેટલાક મળતિયાઓ વાહનો મૂકીને ભાગી ગયા હતા, આ ટીમે સ્થળ પરથી 1 હિટાચી મશીન, 6 ડમ્પર, 7 બોટ, 4 ટુ વ્હિલર મળી આવ્યા હતા.
છમાંથી ચાર ડમ્પર ખાલી હતા પરંતુ બે ડમ્પરમાંથી 44.82 મેટ્રિક ટન રેતી મળી આવી હતી. ડીવાયએસપી કામરિયાએ જાણ કરતાં ખાણખનીજ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, જોકે સ્થાનિક પડધરી પોલીસને જાણ કરવામાં આવી નહોતી. સૂત્રોના જણાવ્યા મુજબ આજી-3 ડેમના કિનારે આવેલા ખાખડાબેલા અને હરિપરમાં લાંબા સમયથી રેતીચોરી થઇ રહી છે,
ખાણ ખનીજ વિભાગે અગાઉ દરોડા પાડ્યા હતા પરંતુ ત્યારબાદ ફરીથી આ કૌભાંડ ધમધમવા લાગ્યું હતું, રાજકીય માથાઓની પણ પડદા પાછળ ભૂમિકા હોવાની વાત જોરશોરથી ચર્ચાઇ રહી છે. ખાખડાબેલા અને હરિપરમાં ક્યા ક્યા સ્થળે રેતીચોરી થાય છે તે દિશામાં સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ શરૂ કરી હતી. જપ્ત થયેલો તમામ મુદ્દામાલ પડધરી પોલીસમથક હવાલે કરવામાં આવ્યો હતો.