ખાણ ખનીજ વિભાગ ફોન ઉપાડતા નથી અને કાર્યવાહી નહીં થાય તો મારે નદીમાં આપઘાત કરવો પડશે : સરપંચના પતિ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેફામ રેતીચોરીનો વેપલો ચાલી રહ્યો છે અને સમયાંતરે સ્થાનિક પોલીસ, એલસીબી કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો કરીને રેતમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ રેતમાફિયાઓ દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખીને રાત્રી તેમજ દિવસના ટ્રેક્ટર તેમજ લોડરથી રેતીચોરી કરીને મયુરનગર અને મિંયાણી બંને તરફથી રેતીચોરી કરીને સટ્ટાઓ કરી દેવામાં આવ્યા છે ત્યારે દિવસ-રાત થતી રેતીચોરીને અટકાવવા અગાઉ પણ ચાડધ્રા ગામના સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રેતીચોરી અટકવાનું નામ નહીં લેતા આખરે સરપંચના પતિએ આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
- Advertisement -
આ અંગે સરપંચના પતિ જગદીશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, રેતીચોરી અટકાવવા માટે અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. સાથે સાથે ખાણ ખનીજ વિભાગના અધિકારીને અવાર નવાર ફોન કરવા છતાં ફોન પણ ઉપાડતા જ નથી જેથી કરીને રેતીચોરી કરતા રેતમાફિયાને રેતીચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું છે. તો બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા કરીને વાહનો તેમજ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ હજુ સુધી છૂટ્યા નથી પરંતુ સ્થાનિક પોલીસ કે એલસીબી રેડ કરીને જ્યારે ખાણ ખનીજ વિભાગને વાહનો સોંપે છે ત્યારે ગણતરીના કલાકોમાં જ વાહનો મુક્ત થઈ જતા હોય છે ત્યારે આવી ભેદભાવ વાળી કામગીરી અટકાવી અને યોગ્ય પગલા લેવા માટે ચાડધ્રા ગામના સરપંચ સજનબા જગદીશભાઈ ગઢવીએ અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને ફરી એક વખત રેતીચોરી અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સરપંચ પતિ જગદીશભાઈ ગઢવીએ નદીમાં જ આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.