ગુજરાતના અનેક અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો
એક વર્ષમાં 509956 પ્રવાસીઓએ મુલાકાત લીધેલું ગીર સાસણ અભયારણ્ય સૌથી હોટ ફેવરીટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કુદરતના ખોળે વિહરતા પશુ-પક્ષીઓને નિહાળવાએ પણ એક અનેરો લ્હાવો છે. લોકોમાં હવે અભયારણ્યમાં સિંહ, ઘુડખર, રીંછ સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ જોવાનું જાણે આકર્ષણ વધી રહ્યુ છે. આ કારણોસર ગુજરાતમાં ગીર સાસણ, જાંબુઘોડા ઉપરાંત નળ સરોવર સહિત અન્ય અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગીર સાસણ પ્રવાસીઓમાં હોટ ફેવરીટ છે. આખાય ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસીઓ ગીર સાસણ અભયારણ્યની મુલાકાતે આવે છે. આ અભયારણ્યોના માધ્યમથી રાજ્ય સરકારને 13.14 રૂપિયા કરોડની આવક થઇ છે.
જંગલના રાજા સિંહને કુદરતના ખોળે વિહરતા જોવા હોય ગીર સાસણ શ્રેષ્ઠ સ્થળ છે. ગીરના જંગલમાં જ રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા સિંહ દર્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્રવાસીઓને અહીં હોટલ-રિસોર્ટ સહિત હોમ સ્ટેની સુવિધા તો મળી રહી છે. ઉનાળુ વેકેશન હોય કે પછી દિવાળીની રજાઓ, ગીર સાસણમાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. સરકારના જ રિપોર્ટ મુજબ, વર્ષ 2021માં ગીર સાસણમાં 509956 પ્રવાસીઓ મુલાકાત લીધી હતી જેથી વન વિભાગને 9.72 કરોડ રૂપિયાની આવક થઇ હતી. માત્ર ગુજરાતમાંથી જ નહી, દેશવિદેશથી પ્રવાસીઓ હવે ગીર સાસણ આવી રહ્યા છે.
આ જ પ્રમાણે દેશવિદેશથી આવતાં વિવિધ પક્ષીઓને જોવા હોય તો નળ સરોવર અને થોળ અભયારણ્ય બેસ્ટ છે. ખાસ કરીને શિયાળામાં અહીં હજારો વિદેશી પક્ષીઓ આવે છે જેને જોવા માટે બર્ડ વોચર પણ નળ સરોવર-થોળ અભયારણ્ય ચોક્કસપણે મુલાકાત છે. નળ સરોવરમાં 61286 મુલાકાતીઓ મુલાકાત લીધી હતી. હોડીમાં બેસીને પક્ષીઓનો નજારો નિહાળવા આવતાં પ્રવાસીઓને કારણે સરકારને 58.45 લાખની આવક થઇ હતી જયારે થોળ અભ્યારણ્યમાં 56490 મુલાકાતીઓ નોધાયા હતાં. જેના થકી 53.34 લાખની આવક થઇ હતી. ખિજડીયા અભયારણ્ય પણ પક્ષીઓ માટે જાણીતું છે. અહીં પણ 11854 મુલાકાતીઓ આવ્યા હતાં. જેથી 9.15 લાખ રૂપિયા આવક થઇ હતી.
- Advertisement -
બનાસકાંઠાના જેસૌર અભયારણ્યમાં રીંછની સંખ્યા સૌથી વધુ છે. જોકે, જૈસો2માં આખાય વર્ષ દરમિયાન માત્ર 980 મુલાકાતી આવ્યા હતાં. માત્ર 1.21 લાખ આવક થઇ હતી. પંચમહાલના રતનમહાલ સેન્ચુરીમાં 19163 લોકો આવ્યા હતાં .વર્ષ દરમિયાનઆ સેન્ચુરીએ 12.36 લાખ રૂપિયાની આવક રળી આપી હતી. કચ્છના નાના રણમાં ઘુડખરને નિહાળવા 8787 મુલાકાતી આવ્યા હતાં. પરિણામે વન વિભાગને 15.19 લાખની આવક થઇ હતી.માત્ર જંગલમાં પશુ-પક્ષીઓ જોવાનું જ આકર્ષણ છે એવુ નથી. પણ હવે તો લોકોમાં દરિયાઇ જીવો નિહાળવાનો ય ટ્રેન્ડ વધ્યો છે. જેમ કે મરીન સેન્ચુરીમાં શેવાળ જોવા માટે પણ લોકો આવતા થયા છે. 18768 મુલાકાતીઓ મરીન સેન્ચુરીની મુલાકાતે આવ્યા હતાં. જેથી સરકારને 8.48 લાખની આવક થવા પામી હતી.
ગુજરાતના વિવિધ અભયારણ્યોમાં આખાય વર્ષ દરમિયાન કુલ મળીને 811415 મુલાકાતીઓ મુલાકાત લીધી હતી. આ અભયારણ્યમાં ટીકીટની ફી પેટે સરકારને 131 કરોડ રૂપિયાની આવક થઇ હતી.