પ્રવીણ તોગડીયાએ હિન્દુની વસ્તી ઘટવા અંગે ચેતવણી આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
મેંદરડા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મેંદરડાના સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશાળ સનાતન હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા અને રાષ્ટ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
પ્રવીણભાઈ તોગડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેમનો મુખ્ય સંકલ્પ ‘સમગ્ર હિન્દુ સુરક્ષિત હિન્દુ, સન્માનયુક્ત હિન્દુ અને સ્વસ્થ હિન્દુ’ છે. તેમણે ભારતમાં હિન્દુઓની ઘટતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “2000 વર્ષ પહેલાં સમગ્ર દુનિયામાં હિન્દુ હતા, પરંતુ આજે 800 કરોડની વસ્તીમાં માત્ર 100 કરોડ હિન્દુ છે.” તેમણે ચેતવણી આપી કે જો આ પરિસ્થિતિ જાળવાશે તો 70 થી 80 વર્ષ પછી ભારતમાં હિન્દુઓની સંખ્યા ઘટીને 50 કરોડ થઈ શકે છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો જેમાં ભારતના દરેક ગામ અને શહેરમાં શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા, ભારતમાં હિન્દુઓની બહુમતી જાળવી રાખવા માટે જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવો, તમામ માટે એક સમાન કાયદો લાગુ કરવો, પાંચ કરોડ બાંગ્લાદેશીઓને દેશની બહાર કાઢવાની માંગ કરવી, ’હિન્દુ હિન્દુ પાસેથી જ ખરીદી કરશે’ જેવા આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવું, ગરીબો માટે મફત અનાજ અને મફત તબીબી સારવાર પૂરી પાડવી, 24 કલાક હિન્દુ હેલ્પલાઈન અને મફત એડવોકેટની સેવાઓ શરૂ કરવી.
આ સંમેલનમાં મેંદરડાના વિવિધ સમાજો અને જ્ઞાતિઓ દ્વારા પ્રવીણભાઈ તોગડિયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિન્દુ સમાજની એકતા અને સંગઠનની ભાવનાને ઉજાગર કરનારો રહ્યો હતો.