સમીર પટેલ જ લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર, મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
બરવાળા લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સમીર પટેલ હોવાની અને સમીર પટેલની એમોસ કંપનીમાંથી જ લઠ્ઠાકાંડમાં વપરાયેલ મિથેનોલના જથ્થાનું વેચાણ થયાની ‘ખાસ-ખબર’ની વાત અંતે સત્ય સાબીત થઈ છે. તપાસનીશ એજન્સીએ પણ લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર તરીકે સમીર પટેલને ગણાવીને તેની સામે સાઅપરાધ મનુષ્યવધનો ગુન્હો દાખલ કર્યો છે. લઠ્ઠાકાંડની ઘટના પ્રકાશમાં આવ્યાના સમયથી જ ‘ખાસ-ખબર’એ તબક્કાવાર સચોટ ને સાંયોગિક પુરાવા સાથે 50થી વધારે માનવ જિંદગીને ભરખી જનાર આ કાંડ માટે સમીર પટેલ જ જવાબદાર હોવાની વાત સર્વપ્રથમ જણાવી હતી. જેને હવે તપાસ એજન્સીએ પણ મોહર મારતા સમીર પટેલ ફરતે કાનુની ગાળીયો વધુ મજબૂત બનવા લાગ્યો છે.
- Advertisement -
લઠ્ઠાકાંડમાં સમીર પટેલની મુખ્ય સંડોવણી ઉપરાંત બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ પદેથી કરેલાં કૌભાંડોનો
પણ પર્દાફાશ ‘ખાસ-ખબર’ અગાઉ કરી ચૂક્યું છે
સમીર પટેલને જામીન મળે તો સાક્ષીઓ સાથે ચેડાં કરી કેસ નબળો પાડી શકે છે : SIT
બરવાળા લઠ્ઠાકાંડ કેસમાં એમોસના સમીર પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં સીટના અધિકારીએ વિરોધ કરતું સોંગદનામુ કર્યુ છે. સીટે કરેલા સોગંદનામામાં એવી દલીલ કરાઇ છે કે, સમીર પટેલ સમગ્ર લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર છે. તેની સામે સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર આક્ષેપો હોવાથી તેને આગોતરા જામીન આપી શકાય નહીં. આરોપીની પૂછપરછ માટે તેમની હાજરીની જરૂર છે. લઠ્ઠાકાંડમાં 49 લોકોના મોત માટે સમીર પટેલ સીધી રીતે જવાબદાર છે. જો તેમને જામીન મળે તો સાક્ષીઓ સાથે ચેડા કરીને તેમનો કેસ નબળો કરી શકે છે. ડિસ્ટ્રિકટ જજ ડી.કે. દવેએ આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. સીટે સોગંદનામામાં કહ્યું કે, 8 લોકોએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ આપેલા નિવેદનથી સમીર પટેલની સીધી સંડોવણી પ્રસ્થાપિત થઇ છે. એમોસમાં જ્યાંથી આલ્કોહોલ લેવાયું હતું તે જગ્યા પર સીસીટીવી કે સિકયોરિટી નથી તેથી આલ્કોહોલ સરળતાથી બહાર મોકલી શકાય. મિથાઇલ આલ્કોહોલ લાવવા- લઇ જવાનું સરળ બનાવવા કંપનીના ડાયરેકટરો જવાબદાર છે. એમોસમાં બનતા કેમિકલ વેચવાના લાઇસન્સની તપાસ બાકી હોવાથી સમીર પટેલના આગોતરા મંજૂર કરી શકાય નહીં. નાના કારીગરોને જવાબદાર ઠેરવીને ડિરેકટરો બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેથી પૂરતી તપાસ કરવી જરૂરી છે.
- Advertisement -
સુભાષ ત્રિવેદી અને નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા કાબિલેદાદ કામગીરી
લઠ્ઠાકાંડમાં ફરાર એમોસ કંપનીના સમીર પટેલની મુશ્કેલી વધી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને સમીર પટેલની શંકાસ્પદ સંડોવણી અંગે પુરાવા મળ્યા છે. જેમાં એમોસમાંથી ચાંગોદર સ્થિત ફીનાર કંપનીમાં મોકલવામાં આવતા મિથેનોલના જથ્થામાં અનેકવાર ઘટ્ટ આવતી હતી. જે અંગે કંપનીએ સમીર પટેલને ઇમેઇલ કરીને અનેકવાર જાણ કરી હતી. જે પુરાવાના આધારે પોલીસ હવે સમીર પટેલ અને એમોસ કંપનીના ડાયરેક્ટરો વિરુધ્ધ 304ની કલમ હેઠળ કાર્યવાહી કરી છે. સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમનાં વડા સુભાષ ત્રિવેદી અને સ્ટેટ મોનીટરીંગ સેલના એસ પી નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પોલીસને સમીર પટેલ વિરુદ્ધ મહત્વના પુરાવા મળ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઇમેઇલના ડેટા પુરાવા તરીકે લેવામાં આવ્યા છે. જેથી એમોસ કંપનીમાંથી મિથેનોલ સહિતના કેમીકલને ગેરકાયદેસર રીતે બહાર લઇ જવામાં સમીર પટેલની સંડોવણી શક્યતા નકારી શકાય તેમ નથી. લઠ્ઠાકાંડમાં શરૂઆતથી જ બાહોશ અધિકારી સુભાષ ત્રિવેદી અને નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા કાબિલેદાદ કામગીરી કરવામાં આવી છે અને આ અંગે ગૃહમંત્રીને પણ વચગાળાનો રિપોર્ટ તેમણે સુપરત કર્યો હતો.
સમીર પટેલ સાપરાધ માનવવધ જેવા ગુનાના કેસમાં તપાસ માટે બોલાવ્યા છતાં હાજર કેમ રહેતાં નથી?
સાઅપરાધ મનુષ્યવધ જેવી ગંભીર કલમ લાગવા છતાંય સમીર પટેલ હજુ પોલીસની પકડથી દૂર છે. ભાગતા ફરતા સમીર પટેલની ધરપકડના તમામ દરવાજા હવે કાનુની રીતે પણ ખુલી ગયા છે ત્યારે સમીર પટેલ પોલીસ સામે હાજર થશે કે હજુ તેમને તેમના રાજકીય આકાઓ બચાવી લેશે તેવી આશા છે? લઠ્ઠાકાંડની ઘટના સમયે સમીર પટેલ હાથવગા હોવા છતાંય જે-તે સમયે પોલીસે ધરપકડ ન કરી હાઈકોર્ટ સુધી આગોતરા મેળવવાની તક આપી હતી પરંતુ ત્યારબાદ તપાસ એજન્સીનું સુકાન બદલાયું અને હાઈકોર્ટ સુધીની કવાયત બાદ પણ આગોતરા જામીન ન મળ્યા. આમ છતાંય સમીર પટેલ અકળ કારણોસર હજુ ભાગતા-ફરતા રહે છે.
એમોસ કંપનીના બે ડિરેકટરોને ઉંમરનો લાભ મળ્યો
લઠ્ઠાકાંડમાં વપરાયેલું જીવલેણ મિથેનોલ એમોસ કંપનીમાંથી મોકલાયું હોવાનું બહાર આવ્યા બાદ કંપનીના ડાયરેકટર સમીર પટેલ, રંજીત ચોકસી, પંકજ પટેલ અને ચંદુ પટેલે ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં મોટી ઉંમરના કારણે ચંદુ પટેલ અને પંકજ પટેલની ધરપકડ સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. જો કે તેમની સામે પોલીસ તપાસની છૂટ આપી હતી. સુનાવણી દરમિયાન આરોપીના વકીલની રજૂઆત હતી કે આરોપીઓ કંપનીના ડિરેકટર છે, તેમની આ કેસમાં કોઈ ભૂમિકા નથી. જેથી તેમના આગોતરા જામીન મંજૂર કરો. ડિરેકટર ચંદુ પટેલની ઉંમર 90 વર્ષ છે જ્યારે પંકજ પટેલની ઉંમર 84 વર્ષ છે જેથી તેમની આ ઉંમરને ધ્યાને લઈ તેમના આગોતરા જામીન મંજૂર કરો જે વાત હાઈકોર્ટે મંજૂર રાખી હતી.
લઠ્ઠાકાંડ બાદ સૌ પ્રથમ ‘ખાસ-ખબર’એ તા. 27 જુલાઈએ જ સમગ્ર ઘટનાનો મુખ્ય સુત્રધાર સમીર પટેલ જ હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો