કાર્યદક્ષ પેનલના સંદીપ વેકરીયા સેક્રેટરી, જીતેન્દ્ર પારેખ જોઈન્ટ સેક્રેટરી બન્યા
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ રાજાણીની હાર
- Advertisement -
કારોબારી સમિતિની 9 બેઠકમાંથી 7 સમરસ પેનલના અને 2 કાર્યદક્ષ પેનલના ઉમેદવારની જીત
એક્ટિવ પેનલ ડીએક્ટિવ: એકપણ ઉમેદવારને જીત ન મળી
3699માંથી 2122 વકીલે જ મતદાન કર્યું, 1577 વકીલે મતદાન ન કર્યું
- Advertisement -
મોડી રાત્રે નવી કોર્ટમાં દિવાળી જેવો માહોલ : ઢોલ, નગારા -આતશબાજી સાથે ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 2122 મત પડ્યા હતા. જેમાં સમરસ પેનલે ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો પ્રમુખ પદે પરેશ મારૂ અને ઉપપ્રમુખ પદે સુમિત વોરા વિજેતા થયાં હતા.કાર્યદક્ષ પેનલમાંથી સેક્રેટરી પદે સંદીપ વેકરીયા અને જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્ર પારેખને જીત મળી હતી. સમરસ પેનલમાંથી ટ્રેઝરર પદે પંકજ દોંગા, લાયબ્રેરી સેક્રેટરી પદે કેતન મંડને જંગી લીડ મળી હતી. જ્યારે કાર્યદક્ષ પેનલના પણ બે કારોબારી સભ્યો અને બે હોદેદારો વિજેતા થયા છે સામાન્ય કારોબારી પદે પ્રગતિ માકડીયાએ પુરુષ હરિફોને મ્હાત આપી સૌથી વધુ મત મેળવ્યા હતા. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ, એક્ટિવ અને કાર્યદક્ષ પેનલ એમ ત્રણ પેનલ મેદાને હતી. પ્રમુખ પદ માટે પરેશ મારૂ, બકુલ રાજાણી અને દિલીપ જોષી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ હતો. કુલ 3704 વકીલ મતદારો હતા જેમાંથી 2122 વકીલોએ મતદાન કર્યું હતું. પરિણામ જાહેર થયાં બાદ કોર્ટ બિલ્ડીંગ ખાતે ફટાકડા ફોડી, ઢોલ વગાડી સમરસ પેનલના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી મોડી રાત્રે પરિણામ જાહેર થાય બાદ ઉજવણી કરીને વિજેતા પ્રમુખ પરેશ મારુ સહિતનાઓ સોમનાથ મહાદેવદાદાના દર્શન કરવા પહોંચ્યા હતા આ ચૂંટણીમાં એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અને અગાઉ ત્રણ વખત પ્રમુખ રહી ચૂકેલા બકુલ રાજાણીની પેનલનો સફાયો થઈ ગયો હતો તેની પેનલના એકપણ ઉમેદવારને જીત મળી ન હતી.
જુનિયર વકીલો પોતાની કારકિર્દીમાં આગળ વધે તેવા સતત પ્રયત્નો કરાશે: પ્રમુખ પરેશ મારૂ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે ભવ્ય વિજય મેળવ્યા બાદ પરેશ મારૂએ જણાવ્યું હતું કે નવી કોર્ટ બિલ્ડિંગમાં ઘટતી તમામ પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્ય કરીશ. ઉપરાંત કોર્ટ પરિસરમાં એ.ટી.એમ. અને પોસ્ટ ઓફિસ શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે. સૌથી મહત્ત્વનું જુનિયર વકીલો માટે લીગલ સેમિનારનું આયોજન કરાશે તેમજ જુનિયર વકીલો પોતાની કારકિર્દીમાં આગળ વધે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.
કિશન વાલ્વાએ કરેલી ફરી મત ગણતરીની માંગ નામંજૂર
કારોબારી સમિતિના ઉમેદવાર કિશન વાલ્વાએ 747 મત અને હિરેન ડોબરીયાને 757 મત મળ્યા હતા ત્યારે 10મો ક્રમ ધરાવતા કિશન વાલ્વાએ ફરી મત ગણતરીની માંગ કરી હતી પરંતુ તે નામંજૂર થતાં નવમા ક્રમ તરીકે હિરેન ડોબરીયા વિજેતા જાહેર થયા હતા.
ગત ચૂંટણીમાં 2292 વકીલે મતદાન કર્યું હતું. જ્યારે આ વર્ષે 2122 વકીલે મતદાન કર્યું હતું એટલે કે કુલ 170 મત ઓછા મળ્યા. આ ઉપરાંત ગત ચૂંટણીમાં પ્રમુખ તરીકે વિજેતા થયેલા બકુલ રાજાણીને 1137 મત મળ્યા જ્યારે આ વર્ષે રાજાણીને માત્ર 620 મત જ મળ્યા હતા.