15 લાખ મેટ્રિક ટન મીઠાના ઉત્પાદનની શકયતા, 40 ડિગ્રી તાપમાનમાં અગરિયાઓ કામે લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ખારાઘોઢામાં મીઠાની સીઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. રણમાંથી જેસીબી અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાનું કામ ચાલી રહ્યું છે. આ વર્ષે અંદાજે 15 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન થવાની આશા છે. રણકાંઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચ્યું છે. અસહ્ય ગરમીને કારણે પાટડીની મુખ્ય બજારોમાં કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળે છે. લોકો બપોરના સમયે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. રણમાં અગરિયાઓ અને મીઠા મજૂરોનો મેળાવડો જામ્યો છે. રણમાં છાંયડાની સુવિધા ન હોવાથી અગરિયા મહિલાઓ અને બાળકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. મીઠાની સીઝન આગામી અઢીથી ત્રણ માસ સુધી ચાલશે. યાંત્રિક યુગના આગમન સાથે મીઠા ઉદ્યોગમાં મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉ મજૂરો પાવડા અને બખડીયાથી મીઠું ભરતા અને ખાલી કરતા હતા. હવે જેસીબી, બુલડોઝર અને ડમ્પર જેવા સાધનોના ઉપયોગથી ઘણા મીઠા કામદારો બેરોજગાર બન્યા છે. આધુનિકીકરણે મજૂરોની રોજગારીને અસર કરી છે.