ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ એસઓજીએ નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતા એક ઈસમને ઝડપાયો. એસઓજી પી.આઈ જે. જે. પટેલને બાતમી મળી હતી કે સમીર ઉર્ફે છોટું ઇકબાલભાઈ પઠાણ ઉ.વ. 20, રહે. જુનાગઢ, ગિરનાર દરવાજા રોડ નામનો ઈસમ તેની સંજરી નામની દુકાનોમાંથી નશાના બંધાણીઓને ગેરકાયદેસર રીતે ગાંજાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે એસઓજીના એ.એસ.આઈ. જીતેન્દ્રસિંહ ચૌહાણ અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ દાવલ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન, આરોપી સમીર પઠાણ મજવડી દરવાજા નજીક આવેલ મહાસાગર ટ્રાવેલ્સ ઓફિસની સામેની સંજરી પાનની દુકાન ખાતે ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. પોલીસે દરોડો પાડી આરોપી સમીર ઉર્ફે છોટું પઠાણને ઝડપી પાડ્યો હતો. આ દુકાનની અંદરથી કાળા કલરના પ્લાસ્ટિકના ઝભલામાંથી પાંદડા-ડાળખાંના ભૂકા અને બીજ સહિતનો ભેજયુક્ત વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો, સાથે નાની-નાની પ્લાસ્ટિકની 10 કોથળીઓ પણ મળી આવી હતી. વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે બીજો ગાંજાનો જથ્થો તેના ઘરની આગળ આવેલ દુકાનમાં રાખેલો છે. આ દુકાનના કેરેટમાંથી એક પ્લાસ્ટિકના ઝભલામાં રાખેલો ગાંજાનો જથ્થો અને અન્ય 10 નાની પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. આરોપી પાસેથી ગેરકાયદેસર કુલ 181 ગ્રામ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો (કેનાબીસ) કબ્જે કરવામાં આવ્યો, જેની કિંમત રૂ. 1,810 આંકવામાં આવી છે. વધુમાં,આરોપી પાસેથી 20 નંગ નાની પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ, એક પ્લાસ્ટિકનું ઝબલું અને મોબાઈલ મળી કુલ રૂ. 6,810 નો મુદ્દામાલ કબ્જે કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -