સ્વામિનારાયણ સંપ્રદાયની અગણિત ગુસ્તાખીઓ સામે પ્રચંડ જનાક્રોશ
વિવાદિત ચિત્રો નહીં હટાવાય તો હનુમાન ભક્તો, સાધુ સમાજ, હિન્દુ સંસ્થા અને કરણીસેના સાળંગપુરમાં જઈ વિવાદિત ચિત્રો હટાવશે
- Advertisement -
સાળંગપુર વિવાદમાં બ્રહ્મ સમાજ અને સાધુ-સંતો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી આપી અલ્ટિમેટમ અપાયું
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુરનો મૂર્તિ વિવાદ દિનપ્રતિદિન સતત વધતો જાય છે. અગાઉ વિશ્ર્વ હિન્દુ પરિષદે સ્વામિનારયણ સંપ્રદાયના સંતોના અંગે યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી હતી. હવે આ મામલો વધુ વકર્યો છે, હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ હવે સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે. અને સૌ કોઈને મર્યાદામાં રહેવાનું સુચવ્યું છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટના બ્રહ્મ સમાજે આ ચિમકી ઉચ્ચારી છે. સાળંગપુર વિવાદમાં સંતોને 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્ર્વ હિન્દુ પરિષદે પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
- Advertisement -
‘ખાસ-ખબર’ના અહેવાલની અસર: સનાતનીઓએ એક થઈ અવાજ ઉઠાવ્યો
સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે મુકવામાં આવેલી કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. આ હનુમાનજીનું અપમાન હોય, સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમજ હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવતા સમગ્ર ઘટનાની નોંધ લઈ ’ખાસ-ખબર’માં આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, ’ખાસ-ખબર’ના અહેવાલો બાદ હિંદુ સાધુસંતો અને સંગઠનો મેદાને આવ્યા છે અને એક સૂરમાં સમગ્ર ઘટનાને વખોળી કાઢી છે. આ પરથી હવે કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવેલા ચિત્રો દૂર થશે એવું જણાય આવે છે.
હનુમાનજીનાં અપમાન મુદ્દે મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, શેરનાથ બાપુ, મણિધર બાપુ સહિતનાં સંતો મેદાનમાં
હનુમાન દાદાના અપમાનને લઈ મોરારીબાપુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે. આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરે છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની આટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, સેવા કરતા દેખાય છે. હવે વિચારો, સમાજે જાગૃત થવાની જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે કોઈ મારી સાથે બોલ્યું ન હતું. હવે તમે બોલો.
સાળંગપુર વિવાદને લઈ કથાકાર રમેશ ઓઝાએ સ્વામી નારાયણ સંતોની હાજરીમાં જ જણાવ્યું હતું કે, ગઈકાલે પણ કથામાં સ્વામીનારાયણ સંપ્રદાયના વંદનીય સંતો પધારેલા, આપની ઉપસ્થિતિ આનંદદાયક છે, આપ જ બધા ભેગા થઇને આ બધું રોકો, સનાતન ધર્મ માટે જરૂરી છે. બીજી વાત કહું હું સ્વામી ક્યાંક બોલાઇ રહ્યું છે એની પાછળ ક્યાંકને ક્યાંક ચોપડા ચીતરાણા છે આવા કૃપા કરી એ ચોપડાઓને કાઢો, એ ખોટા ચીતરાઇ ગયા છે, આવું બોલશોને તો તમારા આરાધ્ય પણ નારાજ થશે, દુ:ખી થશે. આવા ચોપડાઓ લખાણા જ છે, નહીં તો આ વાત આવે જ નહીં, ફાડી નાખો, ખોટા ચીતરાઇ ગયા, જે ભાવથી ચીતરાણા એ ભાવ સારો છે, પોતાના ઇષ્ટમાં અનન્ય ભાવ એ જરૂરી છે, બીજાને નીચા ચીતરીને નહીં.
ઈન્દ્રભારતી બાપુએ કહ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુ:ખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.
હર્ષદ ભારતી બાપુએ પણ હનુમાનજીના અપમાન બદલ આકરા પાણીએ જોવા મળ્યા છે. તેમણે એક વિડીયો દ્વારા પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સ્વામીઓ હદ વટાવી ગયા છે. પહેલાં પુસ્તકો પૂરતા હતા, પુસ્તકોમાં ભગવાનના ચિત્રો ચીતર્યાં હતાં. ભગવાનને હાથ જોડી ઉભા રાખે છે સ્વામીઓ પાસે. અને હવે સાળંગપુરમાં હજારો લોકો જોઈ શકે તેમ હનુમાનજીને એક દાસ, એક ચોકીદાર તરીકે ઉભા રાખી દીધા છે. બસો-અઢીસો વર્ષના ઈતિહાસવાળા સ્વામીઓની સામે. હદ વટાવી દીધી છે, તમારી પાસે કયા શાસ્ત્રોનું પ્રમાણ છે? હનુમાનજીને માનનારા સંતો, કથાકારો, કલાકારો, સંગઠનો તમામે આ મામલે બોલવું પડશે.
સ્વામિનારાયણ સંપ્રદાયની હરકતો વિરૂદ્ધ સનાતનીઓમાં પ્રચંડ આક્રોશ
સાળંગપુર હનુમાજીની જે રીતે કૃતિ મુકવામાં આવીછે તેની સામે ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંત પૂ.શેરનાથ બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુંકે સનાતન પરંપરામાં દુર્ઘટના કહી શકાય તેવી અશોભનીય ઘટના સામે આવીછે સ્વામીજી ની સામે હનુમાનજી હાથ જોડીને ઉભા હોય તેવું ચિત્ર પ્રતિપાત કરવામાં આવ્યું તે ઘણી મુર્ખામી ભરી વાત છે આ પેહલા પણ સ્વામિનારાયણ દ્વારા સનાતન ધર્મના ઇષ્ટદેવને નીચા દેખાડવાનું કૃત્ય સામે આવ્યું હતું આ સનાતન ધર્મ સમાજ સામે એવો પ્રશ્ર્ન આવ્યોછે જે દર્દ ભરી વેદના છે અને આ અયોગ્ય છે.
કબરાઉ ધામના મણિધર બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન. કેટલાક લોકોએ મા અંજનિનું અપમાન કર્યુ છે.
સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્ર્વર હરીહરાનંદ બાપુએ કહ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.
બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્ર્વર જગદેવદાસ બાપુએ સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા અયોગ્ય અને ઘટનાને નિંદનીય ગણાવી. તેમણે કહ્યું, આ પ્રકારની જે મૂર્તિઓ છે તે હટાવી લેવી જોઈએ. તેમણે માંગ કરી કે, ભગવાન રામના અનુયાયી છે હનુમાનજી તો એવા પ્રકારની મૂર્તિ મૂકવી જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવા કર્મો કર્યાં બાદ વિવાદ થાય પછી માફી માંગી લેતા હોય છે.
મુચકુંદ ગુફાના 1008 મહામંડલેશ્ર્વર મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું હતું કે સાળંગપુરમાં ફરી પાછો વિવાદ ઊભો કર્યો છે. શું કામ આવું કરો છો? આ સંપ્રદાય સનાતનમાંથી નીકળેલો એક ભાગ છે. કોઈ સનાતની સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાપુરુષો વિશે ક્યારેય કોઈ ખરાબ ટિપ્પણી નથી કરતા. નથી કોઇ પુસ્તકો કે તમારા ધાર્મિક ગ્રંથોમાં છેડછાડ કરી, નથી તમારા ખરાબ ચલચિત્રો મૂક્યાં. તો તમે શું કામ આવું કરો છો? માપે રહોને ભલા માણસ, એમાં મજા આવશે.