હરિધામ સોખડાની ગાદીનું રાજકારણ
હરિપ્રસાદ સ્વામીના અનુયાયીઓ અટવાયા કાનૂની લડતમાં
- Advertisement -
સંસ્થાને બદનામ કરવા 35 કેસ કર્યા: ત્યાગ વલ્લભદાસ સ્વામી
ખાસ-ખબર સંવાદદાતા
હરિધામ સોખડાના ગાદીપતિનો વિવાદ હવે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. વાત એમ છે કે હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીના દેહવિલય બાદ તેમના ઉત્તરાધિકારી તરીકેનો વિવાદ સતત ચાલી ચાલી રહ્યો છે. તેમાં હરિધામ મંદિરના ગાદીપતિ બનવા માટે સંતોના બે જૂથ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેમાં એક જૂથ પ્રબોધસ્વામી સાથે હતું અને એક જૂથ પ્રેમસ્વરૂપ સ્વામી સાથે હતું. આમાંથી હાલ હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી કાર્યરત છે અને તેમના સમર્થનમાં ત્યાગ વલ્લભ સ્વામી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ પ્રબોધસ્વામી જૂથના વ્યક્તિએ તપાસ કરી અને સર્વોદય કેળવણી મંડળ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત આત્મીય યુનિવર્સિટીના વહીવટો અંગે તપાસ કરી. અંતે આત્મીય યુનિવર્સિટીના કર્તાહર્તા અને પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના ત્યાગ વલ્લભ સ્વામી સહિતનાઓ સામે ઉચાપત અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે, આ અંગે ફરિયાદ લેવામાં પણ ઘણો વિલંબ થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. 5થી 6 મહિના બાદ ફરિયાદ નોંધાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય સંકુલના કર્તાહર્તા ત્યાગ વલ્લભદાસ સ્વામી સહિત ચાર શખસે અલગ અલગ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થામાં ખોટા કર્મચારી ઉભા કરી બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી રૂ.33.26 કરોડની ઉચાપત કર્યા અંગે ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેના ફરિયાદી પવિત્ર હર્ષદરાય જાની છે કે જેઓ આત્મીય વિદ્યાધામમાં 21-04-2022થી રહે છે અને છેલ્લા 28 વર્ષથી તમામ ધાર્મિક સંસ્થાઓના સ્થાપક ગુરુ હરિપ્રસાદ દાસજીના તાબા હેઠળ સંન્યાસ લીધો છે. તેમજ તેઓના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહેલા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક તરીકે કાર્યરત છે.
- Advertisement -
સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી ત્યાગ વલ્લભદાસ સ્વામીએ તેમની સામે થયેલ ફરિયાદ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, પવિત્ર જાનીએ કરેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે. પવિત્ર જાની દ્વારા જુદા જુદા 35 કેસ સંસ્થાને બદનામ કરવા માટે કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પવિત્ર જાની દ્વારા અગાઉ ચેરીટી કમિશનરમાં પણ કેસ દાખલ કરવામાં આવેલ છે, જે સમગ્ર મામલો હાલ જ્યુડિશિયરીમાં છે, અમને ન્યાયપાલિકા તંત્ર પર ભરોસો છે. વર્ષોથી સંસ્થાના ઓડિટ રિપોર્ટ સંબંધિત સરકારી કચેરીઓને મોકલવામાં આવે છે. આ પછી ત્યાગ વલ્લભદાસ સ્વામી દ્વારા આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે નામંજૂર થતા હાઇકોર્ટમાં પહોંચ્યા હતા જ્યાં હાઇકોર્ટ દ્વારા ત્યાગ વલ્લભદાસ સ્વામી સામે ધરપકડ ઉપર સ્ટે આપવામાં આવ્યો છે.