અરવિંદ જૈન ઉર્ફે જયગીરીને પોલીસે ઝડપી પાડયો
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર પર આવેલા કમંડલ કુંડ તેમજ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુનું કોઇ અજાણ્યા શખ્સે હિન્દીમાં ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યુ હતુ. જેમાં કોમી વૈમનસ્ય ફેલાય તેમજ સમાજમાં અશાંતિ પ્રસરે તેવી પોસ્ટ અપલોડ તેમજ વાયરલ કરી હતી. આ અંગે જાણ થતા ભૂતનાથ મંદિરના સેવકે અજાણ્યા શખ્સ સામે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયારે આ બાબતે સાયબર પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનિકલ તપાસ કરી ફેક ફેસબુક આઇડી બનાવનાર મુળ ભોપાલના અને હાલ મેંદરડા નજીક આશ્રમમાં રહેતા અરવિંદકુમાર કપુરચંદ જૈન તરીકે રહેતા જયગીરી ગુરૂ મનોજગીરીને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા દતાત્રેય શિખર પર થયેલા વિવાદ બાદ મહેશગીરી બાપુને બદનામ કરવા માટે થઇ આ કૃત્ય કર્યાનું જણાવ્યુ હતુ. પોલીસે જે ફેક આઇડી બનાવ્યુ હતુ તે મોબાઇલ હજુ મળ્યો નથી. આ મામલે અન્ય કોઇ શખ્સો સામેલ છે કે કેમ ? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. એસપી હર્ષદ મહેતાએ જણાવ્યુ હતુ કે, સમાજમાં વૈમનસ્ય કે અશાંતિ પ્રસરે તેવા લખાણ કે પોસ્ટ મુકી વાયરલ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.