ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.1
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનથી કરેલા હુમલામાં છ વર્ષના બાળક સહિત 11ના મોત થયા છે અને 124ને ઇજા પહોંચી છે. કીવમાં પાંચ મહિનાની બાળકી સહિત દસ બાળકો ઇજા પામ્યા છે, એમ કીવ શહેરના લશ્ર્કરી વહીવટકર્તાએ જણાવ્યું હતું કે રશિયાના હુમલાના લીધે કીવમાં નવ માળના બિલ્ડિંગનો મોટા હિસ્સો તૂટી પડયો હતો.
રશિયાના હુમલા પછી બચાવ ટુકડીઓ તરત જ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યુ હતું. બચાવ ટુકડીના કર્મચારીઓને કાટમાળમાંથી લોકોને બહાર કાઢી રહ્યા હોય તેવા અને તેને શોધી રહ્યા હોય તેવા દ્રશ્ર્યો સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા હતા.
રશિયાએ કુલ 309 શાહેદ અને ડેકોય ડ્રોન અને આઠ ઇસ્કંદર-કે મિસાઇલ વડે હુમલો કર્યો હતો, એમ યુક્રેનિયન એરફોર્સે જણાવ્યું હતું.
યુક્રેનિયન એરફોર્સે 288 ડ્રોન અને ત્રણ મિસાઇલ આંતર્યા હતા. પાંચ મિસાઇલ અને 21 ડ્રોન ટાર્ગેટ્સ પર ત્રાટક્યા હતા.
આ ઉપરાંત રશિયન દળોએ ક્રામાત્ચોક શહેરમાં પાંચ માળના એક બીજા શહેરને પણ લક્ષ્યાંક બનાવ્યું હતું. તેમા એકનું મોત થયું હતું અને 11ને ઇજા થઈ હતી.
રશિયાના કીવ પરના હુમલામાં 100થી પણ વધુ સ્થળોને નુકસાન થયુ હતુ, તેમા ઘરો, સ્કૂલ્સ, કિંટરગાર્ડન, મેડિકલ ફેસિલિટીઝ અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથેની શાંતિ પ્રક્રિયામાં પ્રગતિ કરવા 8મી ઓગસ્ટ સુધીની ડેડલાઇન આપી છે. તેના પછી રશિયાએ યુક્રેન પર હુમલા વધુ તીવ્ર બનાવ્યા છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે યુક્રેનના પૂવી વિસ્તાર ડોનેત્સ્કમાં વ્યૂહાત્મક રીતે મહત્વનું ચેસિવ શહેર જીતી લીધું છે. ચેસિવ શહેર પર અંકુશ માટે રશિયા-યુક્રેનના દળો 18 મહિના સુધી લડયા હતા. પણ યુક્રેનિયન લશ્ર્કરે રશિયાના આ દાવાને નકારી કાઢ્યો હતો અને ખોટો ગણાવ્યો હતો. જો કે નક્શો બતાવે છે કે ચેસિવ શહેરનો મોટાભાગનો હિસ્સો રશિયાના અંકુશમાં છે.