ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં રશિયાએ યુક્રેનના રોમાનિયા બોર્ડર નજીકના વિસ્તાર પર કરેલા હુમલા બાદ ભારે ગભરાટની લાગણી ફેલાઈ છે. રશિયાએ કરેલા હુમલા બાદ યુક્રેનની એન્ટી એરક્રાફ્ટ ગનો આખી રાત ગરજતી રહી હતી. બીજી તરફ રશિયાના હુમલાના કારણે ઠેર ઠેર આગના દ્રશ્ર્યો જોવા મળ્યા હતા. યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે, રશિયાના 38માંથી 26 ડ્રોન અમે તોડી પાડ્યા છે.
જોકે બોર્ડર નજીક થયેલા હુમલા બાદ રોમાનિયાની સેનામાં ગભરાટ ફેલાયો છે. રોમાનિયાની બોર્ડર પોલીસે કહ્યુ છે કે, સરહદ પરના કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે.
રશિયાના હુમલાના કારણે રોમાનિયા અને યુક્રેન વચ્ચે ચાલતી ફેરી સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. બીજી તરફ યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે, રશિયાએ યુક્રેનની અનાજ નિકાસને ટાર્ગેટ કરવા માટે ઓડેસા પોર્ટ પર હુમલા ચાલુ રાખ્યા છે. ગઈકાલે પણ એક ગોડાઉનને રશિયાના હુમલામાં ભારે નુકસાન થયુ છે. જેના કારણે ડઝનબંધ ટ્રકો અને વાહનો પણ આગના હવાલે થયા હતા.