ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન પર આક્રમણના કારણે રશિયા પશ્ચિમી દેશોના આકરા પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે તેવા સમયે ચીન અને ભારત પ્રમુખ વ્લાદિમિર પુતિનની મદદે આવ્યા છે. ચીન અને ભારતને સસ્તુ ક્રૂડ ઓઈલ વેચીને રશિયાએ માત્ર ત્રણ જ મહિનામાં 24 અબજ ડોલરની કમાણી કરી છે. તાજા આંકડા મુજબ રશિયાએ ક્રૂડ ઓઈલ અને અન્ય ઈંધણના વેચાણ મારફત 13 અબજ ડોલરની વધુ કમાણી કરી છે.
ચીને માર્ચ 2022થી મે 2022 વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, ગેસ અને કોલસાની ખરીદી માટે માત્ર ત્રણ જ મહિનામાં 18.9 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. આ રકમ એક વર્ષ પહેલાંની સરખામણીમાં લગભગ બમણી છે. આ સમયમાં ભારતે પણ રશિયાને ક્રૂડ ઓઈલ અને અન્ય ઈંધણ ખરીદવા માટે 5.1 અબજ ડોલર ચૂકવ્યા છે, જે એક વર્ષ પહેલાંની સરખામણીમાં પાંચ ગણી વધુ રકમ છે. રશિયાએ માર્ચથી મે 2022 વચ્ચે ક્રૂડ ઓઈલ અને અન્ય ઈંધણ વેચીને ભારત અને ચીન પાસેથી ગયા વર્ષની સરખામણીએ 13 અબજ ડોલરની વધુ કમાણી કરી છે.
- Advertisement -
પશ્ચિમી દેશોના રશિયા પર પ્રતિબંધોના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આકાશને આંબી રહ્યા છે તેવા સમયે ચીન અને ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ અને અન્ય ઈંધણની ખરીદી કરી છે, જેથી ભારત અને ચીનને તો લાભ થયો જ છે, પરંતુ રશિયાને પણ ઘણો ફાયદો થયો છે.
યુક્રેન પર આક્રમણના કારણે અમેરિકા અને યુરોપીયન દેશોએ રશિયાને આર્થિક નુકસાન પહોંચાડવા માટે જે નિયંત્રણો મૂક્યા તેમાંથી બહાર નીકળવામાં ચીન અને ભારતે રશિયાને મદદ કરી છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોના કારણે ક્રૂડના ભાવ વધતા દુનિયાભરમાં મોંઘવારી વધી છે. તેનાથી અનેક અગ્રણી અર્થતંત્રો પર મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે.