રશિયાનો 12.8 કિમીનો લાંબો કાફલો ઈઝુમ શહેર તરફ આગળ વધી રહ્યો છે
યુદ્ધમાં અત્યાર સુધી 183 બાળકોએ જીવ ગુમાવ્યાં
રશિયા-યુક્રેન યુદ્ધના 45થી વધુ દિવસ થઈ ચૂક્યા છે. ધ કીવ ઈન્ડિપેન્ડેટ પ્રમાણે રશિયાએ છેલ્લા 24 કલાકમાં ખાર્કિવ પર 66 વખત હુમલા કર્યા છે. આ હુમલામાં એક બાળક સહિત 11 લોકોના મોત થયા છે, અને 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ્સ પ્રમાણે યુદ્ધમાં અત્યાર સુધી 183 યુક્રેની બાળકોના મોત થયા છે અને 342 બાળકો ઘાયલ થયા છે.
અહેવાલો પ્રમાણે રશિયન સેનાનો એક કાફલો હવે ઈઝુમ શહેર અને નીપર નદીની આસપાસ જોવા મળ્યો છે. અમેરિકી એક્સપર્ટનું કહેવું છે કે રશિયાનો 12.8 કિમીનો લાંબો કાફલો ઈઝુમ શહેર તરફ આગળ વધી રહ્યો છે. તેની સેટેલાઈટ તસવીરો પણ સામે આવી છે. યુક્રેનની સેનાએ લુહાંસ્કમાં રશિયાનો હથિયાર ડેપ નષ્ટ કરી દીધો છે. યુક્રેની સેનાનું કહેવું છે કે રાજધાની કીવની આજૂબાજૂના વિસ્તારમાં 1200 મૃતદેહ મળ્યા છે.
- Advertisement -
યુરોપિયન યુનિયન સમક્ષ યુક્રેને રશિયાના ઉર્જા ઉત્પાદનો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માગ કરી છે. આ સાથે અમેરિકા સહિત પશ્ર્ચિમી દેશો પાસેથી વધુ સૈન્ય મદદની અપીલ કરી છે. યુક્રેને પણ પોતાની સૈનાને એકજૂટ કરવાની શરૂૂઆત કરી છે અને લોકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હટવા કહેવામાં આવ્યું છે. વર્લ્ડ બેન્કના અનુમાન મુજબ આ વર્ષે યુક્રેનની અર્થવ્યવસ્થા લગભગ અડધી થઈ ગઈ છે. 10 એપ્રિલના એક રિપોર્ટ મુજબ યુદ્ધના કારણે યુક્રેનની અર્થવ્યવસ્થાને 45%થી વધારેનું નુકસાન થયું છે. વિશ્ર્વના પ્રતિબંધોથી રશિયાના GDPમાં 11.2%ના ઘટાડાનું અનુમાન છે.
યુક્રેનની સરહદ પર ગાર્ડે જણાવ્યું છે કે યુદ્ધ લડવાની ઉંમરના 2200 જેટલા યુક્રેની યુવકોને એવા સમયે અટકાયતમાં લેવામાં આવ્યા છે કે જ્યારે માર્શલ લોનું ઉલ્લંઘન કરી દેશ છોડી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.