જિલ્લાના તમામ ફાર્મ હાઉસ ઉપર તારીખ 31મી ડીસેમ્બર સુધી અલગ-અલગ ટીમો બનાવી ચેકીંગ કરાશે
બ્રેથ એનાલાઈઝર દ્વારા શંકાસ્પદ શખ્સોને તપાસવામાં આવશે
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ન્યુયર અને થર્ટી ફર્સ્ટની પાર્ટીઓના આયોજન ઉપર ચાંપતી નજર રહેશે. આ પાર્ટીઓ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
તા.30 અને 31 ડિસેમ્બરની આખી રાત પોલીસે વિશેષ બંદોબસ્ત ફાળવ્યો છે. સ્થાનિક પોલીસના સ્ટાફ સહિત લોકલ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફર્લો, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ), ટ્રાફિક શાખા વગેરેની ટીમો પણ આ કામગીરીમાં જોડાશે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ફાર્મ હાઉસો, હોટલો, ગેસ્ટ હાઉસ વગેરેમાં ચેકીંગ થશે. રાજકોટ જિલ્લામાં લોધિકા, પડધરી અને ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી પાર્ટીઓનું આયોજન થતું હોય ખાસ નજર રાખવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેન્જ આઈજી અને એસપી દ્વારા આગામી તા.31/12/2022ના રોજ વર્ષ પુરૂ થતું હોય તેમજ તા.01/01/2023ના રોજ નવું વર્ષ બેસતું હોય આ ઉજવણી દરમિયાન ફાર્મ હાઉસમાં, હોટેલો, ગેસ્ટહાઉસમાં દેશી, વિદેશીદારૂની મહેફીલો થતી હોય છે જેના કારણે કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવા બનાવો બનતાં હોય છે. જેથી રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી, પેરોલ ફર્લો તથા એ.એચ.ટી.યુ. તેમજ ટ્રાફીક શાખાના મહત્તમ સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લાના તમામ ફાર્મ હાઉસ, હોટલો, ગેસ્ટ હાઉસ ચેકીંગની પ્રક્રિયા હાથ ધરાશે.
પોલીસ સ્ટેશનોની હદમાં આવતા જિલ્લાના અગત્યના એકઝીટ પોઇન્ટ ઉપર ખાસ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. અને તમામ ચેક પોસ્ટ ઉપર બ્રેથ એનાલાઈઝર દ્વારા શંકાસ્પદ શખ્સોનું ચેકીંગ હાથ ધરવામાં આવશે. ચેક પોસ્ટ ઉપર તમામ વાહનો તથા શંકાસ્પદ લોકોનું ચેકીંગ કરાશે અને અસામાજીક પ્રવૃતિ જણાય આવ્યે તેઓ વિરૂધ્ધ કાયદાકીય પગલામાં લેવામાં આવશે.
આ સીવાય જિલ્લાના તમામ ફાર્મ હાઉસ ઉપર તારીખ 31મી ડીસેમ્બર સુધી અલગ-અલગ ટીમો બનાવી ચેકીંગ થશે. વધુમાં 31મી ડીસેમ્બરની રાત્રીના અમુક શખ્સો દ્વારા કેફી પીણુ પીને છાકટા બની અને કાયદો અને વ્યવસ્થા ખોરવાયતેવા કૃત્યો કરતાં હોય છે જેથી આવા બનાવો ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવનાર છે તેમજ નાકાબંધી પોઇન્ટો તથા પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગ કાર્યવાહી હાથ ધરી કોઇ કેફી પીણાનું સેવન કરેલાનુ જણાઇ આવશે તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



