રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગરમાં મંદિરમાં લૂંટ ચલાવતી ત્રિપુટી ઝડપાઈ
ગોંડલ-કોટડાસાંગાણી-ટંકારા અને નાની મોલડીમાં થયેલ ગુનાનાં ભેદ ઉકેલી નાખ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના રોડ કાંઠે આવેલ મંદિરોમાં ત્રાટકી લૂંટ ચલાવતી ગેંગની ત્રિપુટીને રૂ. 4.49 લાખના મુદ્દામાલ સાથે રૂરલ એલસીબી ટીમે ઝડપી ગોંડલ, કોટડા સાંગાણી, ટંકારા અને નાની મોલડીના મંદિરોમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
ગત તા.25-07 ના રાત્રિના સમયે ગોંડલ તાલુકાના વાઘેશ્વર મહાદેવ મંદિરમાં રોકડ રૂપિયા તથા મંદિરના મહંતના લાયસન્સવાળા હથિયારની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. બાદ તા. 02-08-2025 ના રોજ કોટડાસાંગાણીના સોળીયા ગામ નજીક આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે મંદિરના મહંત ટનાટનબાપુને માર મારી રોકડ,દાગીના, મોબાઇલ સહિતની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. જે બંને બનાવમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન તેમજ કોટડા સાંગાણી પોલીસ મથકમાં અલગ અલગ ગુના નોંધાયા હતા બનાવવાની ગંભીરતાને ધ્યાને રાખી રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ દ્વારા બંને ગુનાને તાત્કાલિક ડિટેક્ટ કરવાની આપવામાં આવેલ સૂચનાથી રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને બનાવ સ્થળની વિઝીટ કરી ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
દરમિયાન એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ અને કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાએ બનાવ સ્થળ આજુબાજુના તેમજ હાઇવે રોડ અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી લૂંટારુ ગેંગના મુખ્ય સૂત્રધાર મૂળ જેતપુરના હાલ રાજકોટમાં રહેતા રાકેશ ઉર્ફે રાહુલ મુકેશ ઉર્ફે મનસુખ સોલંકી, વિજય મુકેશ ઉર્ફે મનસુખ સોલંકી અને રોનક રાજેશ ભટ્ટ (રહે. આશાપુરા શેરી નં- 2 કોઠારીયા મેઈન રોડ) ને કાર, બે બાઈક, બાર બોરની બંદૂક, મોબાઈલ મળી કુલ રૂ. 4,49,669 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે આ ગેંગના ત્રણ સભ્યો સંજય ઉર્ફે મુકેશ ઝીણા સોલંકી (રહે. હુડકો ચોકડી પાસે), દિલીપ ઉર્ફે સરખડીયો મનસુખ પરમાર અને દિલીપ ઉર્ફે સરખડિયાનો મિત્ર એમ ગેંગના ત્રણ સભ્યોની શોધખોળ યથાવત રાખવામાં આવી છે ઝડપાયેલ શખ્સ રાકેશ ઉર્ફે રાહુલ વિરુદ્ધ રાજકોટ, જુનાગઢ અને જામનગર ખાતે ચોરી સહિતના સાત ગુના નોંધાય ચૂક્યા છે. જ્યારે વિજય વિરુદ્ધ રાજકોટ, જુનાગઢ અને જામનગરમાં ચોરી સહિતના 13 ગુના અને રોનક વિરુદ્ધ ધ્રોલ પોલીસ મથકમાં ચોરીનો એક ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે લૂંટારુઓ મોટાભાગે હાઇવે નજીક આવેલા મંદિરોને જ ટાર્ગેટ કરતા હતા. જેથી તેઓ લૂંટ ચલાવ્યા બાદ સરળતાથી નાશી જઈ શકે તેના માટે હાઇવે નજીક આવેલા મંદિરોને નિશાન બનાવતા હતા.
- Advertisement -
ગોંડલ-કોટડાસાંગાણીના ગુનામાં એક જ એમઓ : 150 સીસીટીવી ચેક કર્યા
કોટડાસાંગાણી અને ગોંડલમાં એક જ મોડસ ઓપરેન્ડીથી લૂંટનો બનાવ બનતા કોઈ ચોક્કસ ગેંગ આ ગુનાઓને અંજામ આપતી હોય તેવી પ્રબળ શંકા પરથી બનાવ સ્થળ, તેની આસપાસના વિસ્તારો, હાઇવે અને રાજકોટ શહેરના આશરે 150 જેટલાં સીસીટીવી ફૂટેજ ચકાસી લૂંટારુઓના સગડ મેળવ્યા હતા.



