સિટી બસના ચાલકનું હાર્ટએટેકથી મોત, અકસ્માતમાં ઘવાયેલ મહિલાએ પણ દમ તોડ્યો
શિવાલય ચોકથી ડેપોમાં બસ મૂકવા જતી વેળાએ બનેલો બનાવ : બંને પરિવારમાં શોક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
રાજકોટમાં જીવલેણ અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગત સમી સાંજે રેલનગરમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો રેલનગર મેઇન રોડ પર 66 વર્ષીય વૃધ્ધ ચાલકને ચાલુ સિટી બસે એટેક આવતાં બસ બેકાબૂ બની હતી અને બસે એક રિક્ષા, બે એક્ટિવા તેમજ ત્રણ લોકોને ઠોકરે લેતા નાસભાગ મચી ગઈ હતી જેમાં બસચાલકનું હાર્ટએટેકથી અને એક રાહદારી મહિલાનું અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે રિક્ષામાં બેઠેલા એક મુસાફર તેમજ અન્ય એક રાહદારી મહિલાને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
- Advertisement -
પ્રાપ્ત માહિતી મુજબ, ગત સાંજે રેલનગર મેઈન રોડ પર સંતોષીનગર તરફથી સીટી બસ નં.40 ના ડ્રાઈવર પરસોતમભાઈ રવજીભાઈ બારીયા ઉ.66 ખાલી બસ ડેપોમાં મુકવા જતાં હતાં ત્યારે રાધિકા ડેરીથી થોડે દૂર ચાલુ બસે જ હાર્ટ એટેક આવી જતાં તેઓ સ્ટેરિંગ પર જ ઢળી પડ્યા બાદ બસ બેકાબૂ બની ગઈ હતી અને તેનું તત્કાળ મૃત્યુ નીપજ્યું હતું બસ બેકાબુ રાહદારી તેમજ વાહનોને અડફેટે લઈ ઓટલા સાથે અથડાઈ હતી. જેમાં એક રીક્ષા હડફેટે આવ્યાં બાદ રિક્ષાની ઠોકરે બે એક્ટિવા ગાડી ચડી ગઈ હતી અકસ્માતમાં રેલનગરમાં પાર્થ સ્કૂલ પાસે રહેતાં સંગીતાબેન ગંગારામભાઇ માકડિયા ઉ.35નું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં મુસાફરી કરતા મુકેશભાઈ તાજસિંગ મંડોડ ઉ.31 રેલનગરમાં રહેતા મનીષાબેન મનીષભાઇ વર્મા ઉ.36ને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સંગીતાબેન પગપાળા રેલનગરમાં ભરાતી ગુરુવારી બજારમાં ખરીદી કરી ઘરે જતા હતા ત્યારે આ ઘટના બની હતી. બનાવ સાંજનો હોવાથી મહિલાઓની શાકભાજી સહિતની ચીજ- વસ્તુઓ ખરીદવા મોટા પ્રમાણમાં રેલનગર મેઈન રોડ પર અવરજવર કરતી હતી. સદનસીબે વધુ જાનહાનિ થઈ ન હતી. પરંતુ થોડો સમય માટે ભાગાભાગી અને અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ ભાર્ગવસિહ ઝણકાંત અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવ અંગે મૃતકના પરીવારને જાણ કરી હતી.
રેલનગરમાં થયેલ વિચિત્ર અકસ્માતમાં સીટી બસના ચાલક પરસોત્તમભાઈ બારીયા હાર્ટએકેટથી અને અકસ્માતમાં ઘવાયેલા રાહદારી સંગીતાબેન માકડીયાનું મોત નિપજયું હતું મૃતક પરસોત્તમભાઈ કોઠારીયાના મચ્છોનગરમાં રહેતા હોવાનું અને તેમને સંતાનમાં બે પુત્ર-એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે જયારે રેલનગરમાં રહેતાં સંગીતાબેનને સંતાનમાં એક પુત્ર-પુત્રી હોવાનું જાણવા મળ્યું છે બનાવને પાલગે બંને પરીવારમાં શોક વ્યાપી ગયો છે.
કોન્ટ્રાક્ટરે નિયમ વિરૂદ્ધ 66 વર્ષના વૃદ્ધને ડ્રાઈવર તરીકે રાખ્યા!
- Advertisement -
રેલનગર અકસ્માતની ઘટનામાં તપાસમાં બહાર આવ્યું હતું કે, ડ્રાઈવરની જન્મતારીખ 15-02-1958 લાઇસન્સમાં નોંધાયેલી છે. એ મુજબ મરણજનાર પરસોત્તમભાઈ બારિયાની ઉંમર 66 વર્ષ અને 9 મહિના જેટલી થાય છે. જાહેર પરિવહન સેવામાં 62 વર્ષથી વધુની વ્યક્તિને ડ્રાઈવર તરીકે રાખવામાં આવતા નથી જે નિયમપાલન એસ.ટી. કરે છે. આ પાછળનું સૌથી મોટું કારણ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને છે. વૃદ્ધોને સિઝન ફરતા રોગ ઝડપથી લાગુ પડે તેમજ અન્ય વારસાગત રોગચાળો કે પછી બી.પી., ડાયાબિટીસ પણ હોય છે. જેને લઈને તેમની ફરજમાં સીધી અસર પડી શકે છે. જોકે એજન્સીઓ માટે આ નિયમ સસ્તા પગારના કર્મચારી મળવાનુ છે. બીજે ક્યાંય નોકરી ન મળે એટલે આવી કોન્ટ્રાક્ટર એજન્સીઓ પાસે જરૂરિયાતમંદ વૃદ્ધો આવે એટલે તેઓ ઓછા પગારે નોકરી આપે છે. વૃદ્ધને નોકરી પર રાખીને તેમના જીવન તેમજ બસના મુસાફરો અને રોડ પરના વાહનચાલકોના જીવ ખરેખર તો કોન્ટ્રાક્ટર એજન્સી શ્રી મારુતિ ટ્રાવેલ્સે જોખમમાં મૂક્યા છે અને એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. તેથી એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જરૂરી બની છે. આ બાબત એજન્સી જાણે છે એટલે જ પોલીસ ચોપડે તેમજ હોસ્પિટલમાં ડ્રાઈવરની ઉંમર 60 વર્ષ જ લખાવી છે!