ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોએ જોડાઈ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી – એકતા દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં રન ફોર યુનિટી (દોડ) યોજાઇ હતી. જેમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિતના પદાધિકારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. એકતા દિવસની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીની સાથે ગુજરાત રાજ્યમાં પણ અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે 31 ઓક્ટોબર, એકતા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડ સુધી રન ફોર યુનિટી (દોડ) યોજાઈ હતી. મહાનુભાવોએ લીલી જંડી બતાવી આ રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવી હતી. ઉપસ્થિત સૌએ એકતા શપથ ગ્રહણ કરી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
- Advertisement -
આ દોડમાં મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને નાયબ કલેક્ટરશ્રી ઉમંગ પટેલ, અગ્રણીશ્રી જયંતીભાઈ રાજકોટિયા સહિત પદાધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસના જવાનો, ઉકજજ ના રમતવીરો તથા નગરજનો જોડાયા હતા.



 
                                 
                              
        

 
         
         
        