પત્રકારોને બજેટ બેઠકથી અળગા રાખી કરોડોના કામ બહુમતી જોરે મંજૂર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા નગરપાલિકાને બી ગ્રેડમાંથી એ ગ્રેડ મળ્યો છે પરંતુ ધ્રાંગધ્રા શહેરની હાલત આજે સી ગ્રેડ કરતા ગઈ ગુજરી હોય તેવું નજરે પડે છે. પાલિકાના અણઘડ શાસન અને ભ્રેકટાચારના ભરડામાં રચ્યાપચ્યા રહ્યા સિવાય અધિકારી અને પદાધિકારી વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી તેવામાં દર વખતની માફક આ વખતે પણ ધ્રાંગધ્રા નગરપાલિકામાં બજેટ અંગેની બેઠક યોજાઈ હતી જેમાં લગભગ એક સો કરોડના કામોનો સમાવેશ થયો હતો પરંતુ મજાની વાત તો અહીં એ હતી કે નગરપાલિકાના બજેટમાં સભ્યો સિવાય સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા. પરંતુ પત્રકારોને બજેટ બેઠકથી અળગા રાખવામાં આવતા હતા. ખરેખર નિયમો મુજબ નગરપાલિકાના બજેટ દરમિયાન સુધરાઈ સભ્યો સિવાય એમી કોઈ પક્ષના હોદ્દેદારોને બેઠકમાં હાજર રહેવાનું હોતું નથી પરંતુ હા પત્રકારો બજેટ સમયે ઉપસ્થિત રહી શકે છે પરંતુ અહીં તો પત્રકારોને જ બજેટથી દૂર રાખી ભાજપ સંગઠનના હોદેદારોની ઉપસ્થિતિ ઉડીને આંખે વળગે તેવી હતી. એટલે સ્પષ્ટ રીતે નગરપાલિકા ખાતે બજેટની બેઠકમાં પાલિકાના નિયમનો ઉલાળીયો જોવા મળ્યો હતો. આ તરફ બજેટ પૂર્ણ થયા બાદ એવી પણ ચર્ચા વહેતી થઈ હતી કે બજેટ બેઠકમાં આ પ્રકારે દર વખતે સંગઠનના હોદ્દેદારો હાજર રહીને દખલગીરી થલી પોતાના અંગત કામોને પાસ કરાવી બહુમતીના જોરે પોતાના કામો મંજૂર કરાવે છે જેથી સામાન્ય જનતા માટે વિકાસના કામ કરવાને બદલે ધ્રાંગધ્રા નગરપાલિકાના સત્તાધીશો બહુમતીમાં જોરે સંગઠનના હોદ્દેદારોના વિકાસને વધુ અગ્રતા આપતા હોવાની ચર્ચા પણ જોર પકડ્યું છે.