રાજકોટની આગની ઘટના બાદ સરકાર સફાળી જાગી; ફાયર સેફ્ટીના નિયમો સખ્ત બનતા અરજીઓની સંખ્યા ઓછી રહી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
દિવાળી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને બજારમાં તહેવારનો માહોલ જામી રહ્યો છે. જોકે, રાજકોટની આગની દુર્ઘટના અને બનાસકાંઠામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ જેવી ઘટનાઓ બાદ સરકારે ફટાકડાના હંગામી સ્ટોલ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે. આ કડક નિયમોની અસર અરજીઓની સંખ્યા પર જોવા મળી રહી છે.
- Advertisement -
મોરબી શહેર અને જિલ્લાની ચારેય નગરપાલિકા વિસ્તાર સહિત મોરબી મનપા વિસ્તારમાં અત્યાર સુધીમાં માત્ર 111 અરજીઓ જ આવી છે, જે ગત વર્ષ (80 અરજી) અને 2023 (90 અરજી)ની સરખામણીમાં થોડો વધારો દર્શાવે છે, પરંતુ ખરેખર જે પ્રમાણમાં વેચાણ થાય છે તેની સામે આ સંખ્યા ઓછી છે.
ફાયર ઓફિસર દેવેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારના નવા પરિપત્ર મુજબ 500 ચોરસ મીટરથી ઓછા ટેમ્પરરી સ્ટ્રક્ચરના સ્ટોલમાં ફાયર વિભાગનો રોલ નથી, તેમાં મામલતદાર કક્ષાનો અને જગ્યા માટે નગરપાલિકાની એસ્ટેટ શાખાનો રોલ રહેશે.
મોરબી સિટી વિસ્તારમાં મુખ્યત્વે નેહરુ ગેટ ચોક, જેલ રોડ, શનાળા રોડ, સરદારબાગ સામેનો વિસ્તાર સહિતના મુખ્ય વિસ્તારોમાં સ્ટોલ ઊભા કરાતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે મનપા દ્વારા જાહેર જગ્યામાં ફટાકડાના સ્ટોલ માટે મંજૂરી આપશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
તાલુકાવાર અરજીની વિગતો
મોરબી-ટંકારા વિસ્તાર: 64 અરજી
વાંકાનેર તાલુકો: 27 અરજી
હળવદ તાલુકો: 20 અરજી
માળિયા વિસ્તાર: એક પણ અરજી નથી
- Advertisement -
કડક નિયમો અને ચેકલિસ્ટ
બિલ્ડીંગ ઉપર 1000 લિટર પાણીની ટાંકી હોવી જરૂરી.
પ્રતિ 30 ચોરસ ફૂટ પર એક 10 કિગ્રાની કેપેસિટીનું ડ્રાય કેમિકલ પાવડર ટાઈપનું ફાયર એસ્ટિંગ્વિશર રાખવું.
દુકાન પર એક ફાયર હોઝ રીલ ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ, જે પાણીના પ્રવાહ સાથે જોડાયેલું હોય.
કાર્બન ડાયોક્સાઇડ ટાઈપના 4.5 કિગ્રાના ફાયર એસ્ટિંગ્વિશર ઇન્સ્ટોલ કરવા અને દુકાન બહાર રેતી સાથેના 2 ફાયર બકેટ રાખવા.
ફાયર ઇમરજન્સી એક્ઝિટ જરૂરી રહેશે.



