ચિ.ઋષભ અને ચિ.અદિતિ 17મી એપ્રિલે ભવોભવના સાથી બની જશે
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આંગણે આસોપાલવના તોરણો બંધાયા છે. રૂડા ઢોલ ઢબૂકી રહ્યા છે અને શરણાઈના સુરથી ‘પુજીત’નું આંગણું ગુંજી રહ્યું છે અ.સૌ. અંજલીબેન અને વિજયભાઈ રૂપાણીના લાડકવાયા દિકરા ચિ. ઋષભના શુભલગ્ન અ.સૌ. પરિતાબેન અને બિમલેશભાઈ માંડવીયાની લાડકવાયી દિકરી ચિ.અદિતિ સાથે નિરધાર્યા છે. તા.17 એપ્રિલના રોજ સાંજે ગૌધુલીક સમયે ચિ. ઋષભ અને ચિ.અદિતિ ભવભવના સાથી બની જશે.રૂપાણી પરિવારના આંગણે પુત્ર લગ્નના રૂડા અવસરની હોંશભેર ઉજવણી કરવા થનગનાટ જોવા મળી રહ્યો છે.
લગ્નોત્સવનો આરંભ તા.15ને શુક્રવારના રોજથી થશે આ મંગલ દિવસે સાંજે 6 કલાકે કાલાવાડ રોડ પર વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ સામે નિરાલી રીસોર્ટ સ્થિત પામસ્પ્રિંગ પાર્ટી પ્લોટ ખાતે ડાયરો અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.16ને શનિવારના રોજ સાંજે 7 કલાકે નિરાલી રિસોર્ટ ખાતે જ સુરમયી સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. તા.17ને રવિવારના રોજ સાંજે 5 કલાકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શુભનિવાસ સ્થાન ‘પુજીત’ 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કુલની સામેથી ચિ. ઋષભની જાનનું મંગલ પ્રસ્થાન થશે સાંજે 7 કલાકે ગૌધુલીક સમયે અવધ રોડ સ્થિત સિઝન્સ હોટલ સ્થિત હસ્ત મેળાપ થતાની સાથે જ રૂપાણી પરિવારનો લાડકવાયો ચિ. ઋષભ અને માંડવિયા પરિવારની લાડકી દિકરી ચિ. અદિતિ સાત ભવ માટે એકાબીજાના બની જશે.