ઈ-ચલણ ન ભરનારના લાયસન્સ સસ્પેન્ડ થશે: કેતન ખપેડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ આરટીઓ કચેરીમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે કે, ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચારથી વધુ વખત ઈ-ચલણના મેમો આપવામાં આવ્યા હોય તેવા 600 વાહનચાલકોને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની નોટિસ ફટકારવાનું નક્કી કરાયું છે. જોકે, તેમાંથી અત્યાર સુધીમાં 100 જેટલા વાહન ચાલકોને નોટિસ આપી દેવામાં આવી છે, પરંતુ તેમાંથી 30 નોટિસ ખોટા એડ્રેસને કારણે પરત ફરી છે. જ્યારે 5 વાહનચાલકો ઈ-મેમો ભરી આવ્યા હોય તેની પહોંચ સાથે આરટીઓ કચેરી ખાતે હાજર થઈ ચૂક્યા છે.
- Advertisement -
જોકે હવે વર્ષ 2025ની શરૂઆતથી આ વાહનચાલકોને સિગ્નલ તોડવું, હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવો, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ત્રીપલ સવારી સહિતના ટ્રાફિક નિયમના ભંગ બદલ જે તે વાહનચાલકનું લાયસન્સ ઓછામાં ઓછું ત્રણ મહિના અને વધુમાં વધુ એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે. જે દરમિયાન તે વાહનચાલક વાહન ચલાવી નહીં શકે. આરટીઓ કચેરી દ્વારા અગાઉ ફેટલ અકસ્માત જેવા કિસ્સાઓમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવતું હતું, પરંતુ હવે ટ્રાફિક નિયમના ભંગ બદલ પણ લાયસન્સ સસ્પેન્ડ કરવાનું શરૂ કરાશે.
રાજકોટ ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, ટ્રાફિક કચેરી દ્વારા અત્રેની કચેરીમાં 600 જેટલા વાહનચાલકોને અપાયેલા ઈ-મેમો મોકલી આપવામાં આવેલા છે. જે ઈ-મેમોના આધારે કયું લાયસન્સ કયા વ્યક્તિનું છે તે સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં જે તે વાહનચાલકે ઈ-ચલણ ભર્યા ન હોય તેવા વ્યક્તિઓને આરટીઓ કચેરી દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટેની નોટિસ ફટકારવાનુ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સમય મર્યાદામાં આ કચેરી ખાતે હાજર ન રહે કે કોઈપણ પ્રકારનો ખુલાસો ન કરે તો તે વાહનચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ આરટીઓ કચેરી દ્વારા અત્યાર સુધીમાં 100 જેટલા વાહન ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, તેમાંથી અમુક નોટિસ પરત આવી છે. તેનું કારણ એ છે કે લાયસન્સમાં જે એડ્રેસ લખેલું હોય તે એડ્રેસ પર તે વ્યક્તિ મળી ન આવ્યો હોય. જોકે, પરત આવેલી નોટિસ બાબતે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જાણ કરવામાં આવી ત્યારબાદ હવે તે જગ્યાએ આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ પંચનામુ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આરટીઓ કચેરી દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવા બાબતે નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ 10 દિવસમાં જે તે વ્યક્તિએ અત્રેની કચેરી ખાતે આવી ખુલાસો કરવાનો રહેતો હોય છે. સમય મર્યાદામાં ખુલાસો કરવામાં ન આવે તો એક તરફી નિર્ણય લઇ તે વ્યક્તિનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે. ટૂંક સમયમાં આ વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને તેમાં જે તે વાહનચાલકનું લાયસન્સ 3 માસ, 6 માસ કે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.