શ્રી સુરજમલજી હાઈસ્કૂલ ખાતે ભવ્ય આયોજન: કામલપુરના મહંત વાલદાસ બાપુ અને સહપ્રાંત પ્રચારક કમલેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેની સ્થાપનાના શતાબ્દી વર્ષની યાત્રા પૂર્ણ કરી રહ્યું છે, જેના નિમિત્તે સમગ્ર દેશભરમાં વિજયાદશમી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે પાટડી તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ 5 ઓક્ટોબર, 2025 (રવિવાર) ના રોજ યોજાશે.
- Advertisement -
આ કાર્યક્રમ શ્રી સુરજમલજી હાઈસ્કૂલ ખાતે યોજાશે, જેમાં સાંજે 4 વાગ્યે પથ સંચલન અને સાંજે 5 વાગ્યે જાહેર કાર્યક્રમનો સમાવેશ થાય છે. સાંજે 4 વાગ્યે યોજાનાર પથ સંચલન પાટડીના જાહેર માર્ગો પરથી પસાર થશે. આ દરમિયાન સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં કદમ સાથે કદમ મિલાવીને ચાલશે અને શારીરિક પ્રત્યક્ષિક રજૂ કરશે. સમાજના ગણમાન્ય નાગરિકો, જ્યાંથી પથ સંચલન નીકળશે ત્યાં, ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરીને સ્વયંસેવકોનું સ્વાગત કરશે.
સાંજે 5 વાગ્યે શ્રી સુરજમલજી હાઈસ્કૂલ ખાતેના જાહેર કાર્યક્રમમાં કામલપુર પરચાધાર જગ્યાના મહંત શ્રી વાલદાસ બાપુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રાંત પ્રચારક શ્રી કમલેશભાઈ રાદડિયા મુખ્ય વક્તા તરીકે સંબોધન કરશે. કાર્યક્રમની તૈયારીઓ એક મહિના અગાઉથી ચાલી રહી છે. સ્વયંસેવકો ગણસમતા, સામૂહિક વ્યાયામયોગ, સાંઘિક ગીત અને દંડના પ્રયોગોનો અભ્યાસ કરી રહ્યા છે. અનેક સ્વયંસેવકો સ્વખર્ચે ગણવેશ વસાવીને આ કાર્યક્રમ માટે ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. પાટડી નગર અને તાલુકાના ગણમાન્ય નાગરિકો, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ, સરકારી અધિકારીઓ, માતાઓ અને બહેનો સહિત સૌને આ રાષ્ટ્ર સેવાના શતાબ્દી વર્ષની ઉજવણીમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.