નરસંગ ઉપનગર દ્વારા રામોજી ફાર્મ ખાતે આયોજન: આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક અને યુવા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા તેના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં નરસંગ ઉપનગર દ્વારા ભવ્ય વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને ભાઈ-બહેનો જોડાયા હતા.
- Advertisement -
સંઘના મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2025-26 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું છે. સંઘ સ્થાપનાના 100 વર્ષ તા. 2 ઓક્ટોબર, 2025 ને ગુરુવારના રોજ પૂર્ણ થયા છે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા સંઘે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નરસંગ ઉપનગર દ્વારા મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં મોરબીમાં ઘર ઘર સંપર્ક, પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી, યુવા સંમેલન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં પણ બહોળી સંખ્યામાં લોકોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.