ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની 12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ અને તળાવ નવિનીકરણ માટે રૂ. 134.91 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ-ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ તથા તળાવોના નવિનીકરણ માટે વિકાસ કામો મંજૂર કરાયા છે.
6 નગરોમાં 14890 થી વધુ ઘરોને પાણીના કનેક્શન જોડાણથી હાલની સાડા 6 લાખ તથા ભવિષ્યની 10 લાખ જેટલી જનસંખ્યાને લાભ મળશે. રાજુલા-ઠાસરા-બારડોલી-વાપી-સાવલી અને બોરિયાવી નગરપાલિકાઓને પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે. દ્વારકા-મહેસાણા-ગોધરા-ભરૂચમાં વોટર બોડી રિજુવેનેશનથી 1.30 લાખ ચોરસ મીટર વિસ્તારના તળાવોનો કાયાકલ્પ થશે.વલસાડમાં ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટ માટે રૂ. 8.87 કરોડ મંજૂર કરાયું છે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યની 12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 91.92 કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. 134 કરોડ 91 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની ગાંધીનગરમાં તાજેતરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા છે.