એકસ્ટ્રા સંચાલન થકી જ રૂા.55 લાખ મળ્યા: ચાર દિવસમાં રાજકોટથી 37 હજાર મુસાફરોએ મુસાફરી કરી
ખાસ-ખબર સંવાદદાતા
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથોસાથ રાજકોટ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નિમિત્તે એકસ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ એસટી વિભાગને દિવાળીનું રેગ્યુલર ઉપરાંત એકસ્ટ્રા સંચાલન પણ ખૂબ જ ફળ્યું છે. અને કરોડો રુપિયાની આવક થવા પામી છે.
આ અંગેની રાજકોટ એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ગત તા.12થી રાજકોટ એસટી વિભાગની લગભગ તમામ રુટોની બસો ફુલ દોડી રહી છે. રેગ્યુલર ટ્રીપો ઉપરાંત એકસ્ટ્રા ટ્રીપોમાં પણ ચીક્કાર ભીડ નજરે પડી રહી છે. એસટી વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા.12થી તા.16 દરમ્યાન રાજકોટ એસટી વિભાગને રેગ્યુલર ઉપરાંત એકસ્ટ્રા ટ્રીપો થકી રૂા.5.37 કરોડની જંગ આવક થવા પામી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે માત્ર એકસ્ટ્રા ટ્રીપોમાં જ એસટી વિભાગને રૂા.55 લાખ જેટલી માતબર રકમની આવક થવા પામી છે.
વધુમાં રાજકોટ એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ છેલ્લા ચાર દિવસ દરમ્યાન એકસ્ટ્રા અને રેગ્યુલર મળી રાજકોટ એસટી વિભાગે પાંચ હજારથી વધુ ટ્રીપો જુદા જુદા રૂટો ઉપર દોડાવી છે અને હજુ પણ આજે અને આવતીકાલે વ્યાપક રીર્ટન ટ્રાફીક રહેવાની પુરી શક્યતા છે. આજરોજ પણ રાજકોટ ડીવીઝનના બસ સ્ટેન્ડો ઉપર મોટી માત્રામાં રીટર્ન ટ્રાફીક નજરે પડ્યો હતો.