-હવે માત્ર રિઝર્વ બેંકની પ્રાદેશિક કચેરીઓમાં બદલાવવાની સુવિધા
નોટબંધી પાર્ટ-2 અંતર્ગત નરેન્દ્ર મોદી સરકારે રૂા.2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધી છે. કોઈપણ બેંકમાં જમા કરાવવા કે બદલવાનો આજે છેલ્લો દિવસ હતો. હવે માત્ર રિઝર્વ બેંકના પ્રાદેશિક કાર્યાલયોમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે. પોષ્ટ-ટપાલ મારફત પણ આ સુવિધા મળી શકશે. રિઝર્વ બેંકના રિપોર્ટ પ્રમાણે 96 ટકા અર્થાત 3.43 લાખ કરોડ રૂપિયાની રૂા.2000ના દરની નોટો પાછી આવી ગઈ છે તે પૈકી 87 ટકા નોટો બેંકોમાં જમા કરવામાં આવી છે જયારે 13 ટકા બેંકોમાંથી બદલવામાં આવી છે.
- Advertisement -
કેન્દ્ર સરકારે 2000ની નોટ રદ થતો નિયમ 30 સપ્ટેમ્બર બાદ લાગુ થવાનું જાહેર કર્યુ હતું. ત્યારબાદ સમય લંબાવીને 7 ઓકટોબર કર્યો હતો. આ નોટો બેંકોમાં જમા કરાવવા કે બદલવા માટેનો અંતિમ દિવસ હતો. હવે આ પ્રકારની સુવિધા માત્ર રિઝર્વ બેંકના 19 પ્રાદેશિક કાર્યાલયોમાં જ મળી શકશે. રિઝર્વ બેંકની કચેરીએ રૂબરૂ નહીં જઈ શકતા લોકો ટપાલ મારફત પણ નોટ બદલવાની સવલત મેળવી શકશે. રિઝર્વ બેંકના અનુમાન પ્રમાણે 2000ના દરની 12000 કરોડની નોટો આજના છેલ્લા દિવસ સુધીમાં જમા થઈ નથી. આજે બેંકીંગ અવર્સ ખત્મ થયા બાદ ચોકકસ આંકડાકીય રિપોર્ટ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2000ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય 19 મે ના રોજ લેવાયો હતો અને તે બેંકોમાં જમા કરાવવા
કે બદલાવવા માટે 30 સપ્ટેમ્બરની મુદત આપવામાં આવી હતી. પ્રારંભીક દિવસોમાં અનેકવિધ ગુંચવણો વચ્ચે ભીડ સર્જાયા બાદ પછી વ્યવહારો નોર્મલ થઈ ગયા હતા. રિઝર્વ બેંકે એવી ચોખવટ કરી હતી કે 7 ઓકટોબર પછી પણ 2000ની નોટની કાયદેસરતા ખત્મ થતી નથી. કોર્ટ, સરકારી એજન્સીઓ- સરકારી વિભાગો જરૂર મુજબ રિઝર્વ બેંકની પ્રાદેશિક કચેરીઓમાં તે જમા કરાવી શકશે. 2000ની નોટ પર પ્રતિબંધ મુકાયો ત્યારે દેશમાં 3.56 લાખ કરેડની આ નોટ ચલણમાં હતી તેમાંથી 30 સપ્ટેમ્બરે 3.42 લાખ કરોડની નોટો પાછી આવી ગઈ હતી.