ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગણેશોત્સવને માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકોટમાં પણ ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બંગાળી મૂર્તિકારોએ ગણેશજીની અલગ-અલગ મૂર્તિઓ તૈયાર કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓ જોવા મળી રહી છે. રાજ્યમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની ડિમાન્ડ ખૂબ જોવા મળતી હોય છે ત્યારે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈકો ફ્રેન્ડલી મૂર્તિ શહેરની માનસી તૈયાર કરે છે.
- Advertisement -
છેલ્લા સાત વર્ષથી માનસી ગણેશજીની મૂર્તિ ઓર્ડર મુજબ બનાવી આપે છે. 4 ઈંચથી 4.8 ઈંચની મૂર્તિ તૈયાર કરી આપે છે. રૂા. 150થી માંડીને રૂા. 16000 સુધીની ગણેશજીની મૂર્તિ માનસી દ્વારા ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવે છે.
આ ગણેશજીની મૂર્તિ શ્રીનાથજી કૃપા, શ્યામનગર-1 ખાતેથી મળી શકે છે.
દુંદાળા દેવ ગણેશજીના આગમનની ભવ્ય તૈયારી… શહેરીજનોમાં ઉત્સાહ
મોંઘવારીના લીધે મંદીનો માહોલ, મૂર્તિના ભાવ રૂા.900થી લઇને 50 હજાર સુધી !
- Advertisement -

રાજકોટમાં ગણેશજીની અલગ-અલગ મૂર્તિઓ બનાવતા બંગાળી મૂર્તિકારો
દર વર્ષે ભાદ્રપદ મહિનાની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ગણપતિ બાપ્પાનો જન્મદિવસ છે. 10 દિવસ સુધી સતત ચાલનારા આ તહેવારની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જુએ છે. જેને લઈ હવે મૂર્તિકારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે ગણેશજીની મૂર્તિના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ 2 ફૂટની ગણેશજીની મૂર્તિની માંગ વધી છે. ગણેશ મૂર્તિની વાત કરવામાં આવે તો દોઢ ફૂટની મૂર્તિ અંદાજે રૂા. 1500થી શરૂ થાય છે અને જેમ-જેમ મૂર્તિ મોટી હોય તેમ તેના ભાવ વધુ હોય છે. આમ ગણેશ ઉત્સવને લઈને શહેરભરમાં ઉત્સાહના માહોલ સાથે ગણેશના આયોજકોએ પણ તૈયારીઓ શરૂ કરી છે.
રાજકોટ શહેરમાં આમ તો અનેક મૂર્તિઓની દુકાનો આવેલી છે. પરંતુ રાજકોટ શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા બાલભવન રમતગમત સેન્ટર ખાતે મૂર્તિઓ બનાવી વેચાણ કરે છે. મૂર્તિ વેચાણ સાથે જોડાયેલા રાજકોટના દીપકભાઈ છેલ્લા 25થી 30 વર્ષથી મૂર્તિ બનાવી વેચાણ કરવાનું કાર્ય કરે છે. તેમની દુકાન પર લગભગ 10 થી 12 લોકો મૂર્તિ બનાવવાનું કાર્ય કરે છે. અહીં તેઓ જૂન મહિનાથી જ મૂર્તિઓ બનાવવા માટે આવી જાય છે. તેમના દ્વારા મૂર્તિ બનાવવાનું કાર્ય ડિસેમ્બર મહિના સુધી કરવામાં આવે છે.
મૂર્તિ બનાવનાર દીપકભાઈએ જણાવ્યું હતું કે, ‘તેઓ દર વર્ષે કોલકાતાથી આવે છે. તેઓ ગણપતિ, વિશ્વકર્મા, દુર્ગા મા, કાલી મા સહિતના દેવી-દેવતાઓની અલગ અલગ ડિઝાઇનની મૂર્તિ બનાવે છે.” દીપકભાઈ સીઝન દરમિયાન કોલકાતાથી આવી રાજકોટમાં 4થી 5 મહિના રોકાઈને મૂર્તિ બનાવે છે. સીઝન પતે ત્યારબાદ તેઓ ફરીથી પોતાના વતન પરત ફરે છે.
મૂર્તિકાર દીપકભાઈએ જણાવ્યું હતું કે, “આ વર્ષે મોંઘવારીને લીધે મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે મૂર્તિના ભાવ પણ વધુ રહેશે. આ વર્ષે અમે 900 રૂપિયાથી લઈને 50 હજાર રૂપિયા સુધીના ભાવની તૈયાર કરી છે. જેમાં તેઓ 8 ફૂટ સુધીની જુદી જુદી મૂર્તિઓ બનાવે છે.”



