વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌર ઊર્જા માટે આહવાન કરેલુ છે ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમના તંત્રએ વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિ.મી. લાંબી સોલાર પેનેલો લગાવીને રૂ.15 કરોડથી વધુની વીજળી ઉત્પન્ન કરી હોવાની વિગતો સામે આવી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં 29.51 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયુ છે. સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ 2015માં સમા કેનાલ ખાતે 3.6 લંબાઇમાં 33816 સોલાર પેનલ મૂકવામાં આવી છે. કેનાલથી 22 મીટર ઉંચે 1600 ટનના મોડયુલિંગ સ્ટ્રક્ચર સાથે 14 ઇન્વર્ટર તથા બે ટ્રાન્સફોર્મર પણ મૂકાયા છે. 10 મેગા વોટના આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા શહેરમાં પ્રવેશતા લોકો માટે આકર્ષણ પણ છે. આ સોલાર થકી અત્યાર સુધીના એક દાયકામાં 4.23 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું છે. નિમેટા પાસે કેનાલ ઉપર સૌથી વધુ લંબાઇ 4 કિ.મી. લંબાઇનો 10 મેગા વોટનો સોલાર પ્લાન્ટ ઉભો કરાયેલો છે. જેમાં 1,623 ટન લોખંડના સ્ટ્રક્ચર ઉપર 33,080 સોલાર પેનલ લગાવાયેલી છે.
તેમજ કેનાલ પાસે પડતર રહેતી જમીનમાં પણ પાંચ મેગા વોટનો સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ માટે 15,874 સોલાર મૂકાઈ છે. જેને સૂર્યપ્રકાશ પ્રમાણે ફેરવી શકાય છે. આ બન્ને પ્લાન્ટ વર્ષ 2017થી કાર્યરત છે. જેમાંથી અત્યાર સુધી 15.97 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયુ છે. વાઘોડિયા તાલુકાના રવાલ પાસેથી પસાર થતી શાખા નહેરના કાંઠા ઉપર 10 મેગા વોટનો સોલાર પ્લાન્ટ છે. જે માટે 33,600 પેનલ લગાવાઈ છે. જ્યાં 10 ઇન્વર્ટર, 2 ટ્રાન્સફોર્મર પણ છે.