બેંકના કર્મચારીઓની બેદરકારી સામે આવી, પોલીસે તપાસ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં આવેલી SBI બેંકની મુખ્ય શાખામાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બેંક ધમધમતી હતી અને ગ્રાહકો, કર્મચારીઓ તેમજ સિક્યોરિટી ગાર્ડ હાજર હતા ત્યારે જ બે અજાણ્યા શખ્સો કેશ કાઉન્ટરમાંથી ₹1,50,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બે અજાણ્યા શખ્સો કેશ કાઉન્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. ત્યાં પડેલા ₹500ના દરના ત્રણ નોટોના બંડલ એટલે કે કુલ ₹1,50,000ની રોકડ રકમ ચોરી કરીને તેઓ કોઈને પણ શંકા ન પડે તે રીતે ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ ચોંકાવનારી ઘટનામાં બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે કેશ કાઉન્ટર સુધી પહોંચીને ચોરી કરતા શખ્સોને કોઈએ રોક્યા કે પૂછપરછ પણ કરી ન હતી. આ ઘટના અંગે બેંકના મેનેજર પવિત્રા મોહને રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. બેંકના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



