ઈરાની ફૂટબોલર અલી દેઈના રેકોર્ડને તોડ્યો: આયર્લેન્ડ સામે વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં બન્ને ગોલ માથાથી ફટકારી હાંસલ કર્યો મુકામ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. હવે રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનારો ફૂટબોલર બની ગયો છે. તેણે આ રેકોર્ડ વર્લ્ડકપ ક્વોલિફાયરના મેચમાં આયર્લેન્ડ વિરુદ્ધ બે ગોલ કરીને બનાવ્યો છે. રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 111 ગોલ થઈ ગયા છે.
તેણે ઈરાનના અલી દેઈના રેકોર્ડને તોડીને આ ખાસ મુકામને હાંસલ કર્યા છે. અલી દેઈએ પોતાના કરિયરમાં 109 ગોલ કર્યા છે. રોનાલ્ડોએ યૂરો-2020 દરમિયાન જ અલી દેઈના સૌથી વધુ ગોલ કરવાના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.
- Advertisement -
પોર્ટુગલની ટીમ તરફથી રમતાં રોનાલ્ડોએ આયર્લેન્ડ વિરુદ્ધ 89મી મિનિટમાં પહેલો ગોલ કર્યો અને ત્યારપછી ઈન્જરી ટાઈમ દરમિયાન બીજો ગોલ કરતાં ટીમને 2-1થી જીત અપાવી હતી. રોનાલ્ડોએ પોતાના બન્ને ગોલ માથાથી કર્યા હતા.
શાનદાર રેકોર્ડ બનાવ્યા બાદ રોનાલ્ડોએ કહ્યું કે હું બહુ જ ખુશ છું અને આ ખુશી મેં રેકોર્ડ તોડ્યો છે એટલા માટે નહીં પરંતુ એ ખાસ ક્ષણ માટે છે જે મારી પાસે હતી. ટીમે જે કર્યું તેના વખાણ કરવા પડશે. અમને અંત સુધી જીતનો વિશ્ર્વાસ હતો.હું બહુ જ ખુશ છું. પોર્ટુલની ટીમ ચાર મેચમાં 10 પોઈન્ટ સાથે ગ્રુપ ‘એ’માં પ્રથમ ક્રમે છે. જો કે સર્બિયા માત્ર ત્રણ પોઈન્ટ પાછળ છે અને તેણે હજુ એક મેચ રમવાનો છે.