પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા મુદ્દે સર્જાયેલી હિંસાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા મુદ્દે સર્જાયેલી હિંસાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે, બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં થયેલી હિંસાની પ્રારંભિક તપાસમાં બાંગ્લાદેશના બદમાશોની સંડોવણી છે. પોલીસે આ હિંસા મામલે અત્યારસુધીમાં કુલ 210 લોકોની ધરપકડ કરી છે. મુર્શિદાબાદમાં હાલ સ્થિતિ સામાન્ય બની છે.
- Advertisement -
બેનર્જીની સરકાર ઘુસણખોરોને રોકવામાં નિષ્ફળ
સૂત્રો અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરવામાં આવી છે કે, પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં સર્જાયેલી હિંસાની પ્રારંભિક તપાસમાં બાંગ્લાદેશી બદમાશોની સંડોવણી છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે, મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ સરકાર ઘૂસણખોરો પર નજર રાખવામાં નિષ્ફળ રહી છે. વક્ફ કાયદાનો વિરોધ કરી રહેલા લોકો અચાનક હિંસક બન્યા હતા. જેના લીધે મુર્શિદાબાદ જિલ્લા અને દક્ષિણ 24 પરગણામાં અશાંતિ ફેલાઈ છે. જેમાં ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા.
વક્ફ સંપત્તિઓ મામલે પશ્ચિમ બંગાળ બીજા ક્રમે
- Advertisement -
પશ્ચિમ બંગાળમાં 80480થી વધુ વક્ફ સંપત્તિઓ છે, ઉત્તરપ્રદેશમાં 2.2 લાખ વક્ફ સંપત્તિ બાદ બીજા સ્થાને છે. આ મહિનાની શરુઆતમાં વક્ફ કાયદો પસાર થયા બાદ વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યા હતા. વક્ફનો નવો કાયદો વક્ફ સંપત્તિઓના નિયમનમાં સરકારની ભૂમિકા વધારનારો હોવાની ટીકા સાથે વિરોધ થઈ રહ્યો છે. જો કે, સરકારે આ કાયદો ગરીબ મુસ્લિમોના પક્ષમાં હોવાનું જણાવતાં આ પ્રકારના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.
અશાંતિ બાદ લોકોનું પલાયન
મુર્શિદાબાદના સુતી અને સમસેરગંજમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસક દેખાવો થયા હતા. અનેક દુકાનો, જાહેર વાહનોને આગચંપીના બનાવો બન્યા હતા. પથ્થરમારાની ઘટના પણ થઈ હતી. આ તણાવગ્રસ્ત સ્થિતિ બાદ ગામડાઓમાંથી 400 હિન્દુઓ પલાયન કરી રહ્યા હોવાના અહેવાલો પણ મળ્યા છે.